
Dinesh Kachhadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘છતરાવા ઞામના છોકરાવને મહીયારી હાઇસકુલના નરેનદર સાહેબ દવારા બે ફામ માર મારવામા આવો અને રજુઆત કરતા એલસી લય જવાની ઘમકી આપેલ…’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 179 લોકે તેમના પ્રતિભાવો આપ્યા હતા. 15 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 123 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, છતરાવા ઞામના બાળકોને મહીયારી શાળાના નરેન્દ્ર નામના શિક્ષક દ્વારા માર મારવામા આવ્યો.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર ‘છતરાવા ઞામના બાળકોને મહીયારી શાળાના નરેન્દ્ર નામના શિક્ષક દ્વારા માર મારવામા આવ્યો’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની માહિતી મળી ન હતી., તેથી અમે ગૂગલ પર “બાળકોને પાંજરામાં પૂરી માર મારવામાં આવ્યો” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં પોરબંદર ટાઈમ્સ.કોમ દ્વારા 22 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારને ધ્યાનથી વાંચતા અમને એ માલૂમ પડ્યું હતું કે, આ સમાચારમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોની પૂરેપૂરી સત્યતા દર્શાવવામાં આવી હતી. આ સમાચારમાં એવું લખવામાં આવ્યું છે કે, આ વીડિયો કોઈ શિક્ષણ સંસ્થાનો નહીં પરંતુ આ ઘટના પોરબંદના કુછડી ગામે બની હતી. આ ઘટના અંગે જે બાળકને માર મારવામાં આવી રહ્યો છે તેના પિતા બાબુભાઈ ખરા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. સમગ્ર સમાચાર ધ્યાનથી વાંચતા અમને જણાયું હતું કે, વીડિયોમાં દેખાતા બંને બાળકો કુછડી ખાતેની પે સેન્ટર શાળામાં ભણે છે અને રિશેષમાં બંને શાળાનો વરંડો કૂદીને બાજુમાં આવેલી વેજાભાઈ કુછડીયાની ડેરીમાં ચોરી કરવા ગયા હતા. જ્યાં વેજાભાઈએ બંનેને પકડી લીધા હતા અને ઘરે લઈ જઈ કૂતરાને પૂરવાના પાંજરામાં પૂરી દીધા હતા. અને ત્યાર બાદ તેમના ઘરે જ પરબતભાઈ અને લીલાભાઈ નામના શખ્સો દ્વારા બાળકોને ચોરીની કોશિશ કરવાના ભાગરૂપે માર મારવામાં આવ્યો હતો.

અમારી વધુ તપાસમાં અમને આ વીડિયો અંગે અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ તેને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ ક્યાંય એવું સાબિત નથી થતું કે ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓમાં બાળકો સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે. આ એક ખોટી માહિતી છે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે. આ ઘટના અંગેના બીજા તમામ સમાચારો તમે નીચે જોઈ શકો છો.



આમ, ઉપરોક્ત વિડિયો છતરાવા ઞામના બાળકોનો મહીયારી શાળાનો નહિં પરંતુ પોરબંદરના કુછડી ગામનો હોવાનું સાબિત થાય છે. ચોરીના આરોપસર બાળકોને માર મારવામાં આવ્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત વિડિયો છતરાવા ઞામના બાળકોનો મહીયારી શાળાનો નહિં પરંતુ પોરબંદરના કુછડી ગામનો હોવાનું સાબિત થાય છે. ચોરીના આરોપસર બાળકોને માર મારવામાં આવ્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

Title:શું ખરેખર મહીહારી શાળાના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો ત્યાનો વિડિયો છે….?જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
