વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉમટેલી ભીડના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ત્યારે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉમટેલી ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીની મુલાકાત લીધી તે સમયનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના સિલીગુડી ખાતે એક સભાને સંબોધિત કરી હતી ત્યારનો છે. આ વીડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

રાણાજી સોલગામ નામના ફેસબુક યુઝર દ્વારા 04 સપ્ટેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હે કેજરીવાલ ના ખોળા ના ખૂંદનારો જેટલી મહેનત કરવી હોય એટલી કરી લેજો હારી ગયા પછી EVM મશિન ના વાંક ના કાઢતા એ અત્યાર થી હેક કરેલ છે…  #આપ_નુ_બાપ_ગુજરાત. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીની મુલાકાત લીધી તે સમયનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના સહારે સર્ચ કરતાં અમને MODI JI 2.0 નામના ફેસબુક યુઝર દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 07 એપ્રિલ, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પશ્ચિમ બંગાળના સિલીગુડી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉમટેલી ભીડનો આ વીડિયો છે.

આજ વીડિયો અને માહિતી અન્ય કેટલાક ફેસબુક યુઝર દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 1 | Facebook Post 2

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો હાલનો નહીં પરંતુ 2019 એટલે કે ત્રણ વર્ષ પહેલાંનો છે.

અમારી વધુ તપાસમાં અમને BJP દ્વારા પણ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો વર્ષ 3 એપ્રિલ, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કલકત્તાના સિલીગુડી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉમટી જનમેદની.

Archive

Narendramodi_in દ્વારા પણ આજ માહિતી સાથેનો વીડિયો 3 એપ્રિલ, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના સિલીગુડી ખાતે એક સભાને સંબોધિત કરી હતી ત્યારનો છે. આ વીડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉમટેલી ભીડના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False