તાજેતરમાં સોશિયલ મીડિયા પર નદીના કિનારા પર થઈ રહેલા અદ્ભૂત લેસર શોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અયોધ્યા ખાતે સરયુ નદીના કિનારે થઈ રહેલા લેસર શોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લેસર શોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અયોધ્યાનો નહીં પરંતુ નોઈડા ખાતે આવેલા વેદ વન પાર્કના લેસર શોનો છે. આ વીડિયોને અયોધ્યા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 18 ડિસેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અયોધ્યા મા - સરયુ નદીના કિનારે લાઈટ સાઉન્ડ શો... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અયોધ્યા ખાતે સરયુ નદીના કિનારે થઈ રહેલા લેસર શોનો છે.

https://www.facebook.com/100031213072051/videos/1058740645326435/

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને તેને રિવર્સ ઈમેજનો સહારો લઈને સહારો લઈને સર્ચ કરતાં અમને એક ટ્વિટર યુઝર દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 2 જુલાઈ, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, “આ નોઈડાના ‘વેદ વાન પાર્ક’નો વીડિયો છે જેનું ઉદ્ઘાટન યુપીના સીએમ શ્રી યોગી આદિત્યનાથજીએ ગયા શનિવારે કર્યું હતું . આ પાર્ક આપણા 4 વેદોની થીમ પર વિકસાવવામાં આવ્યો છે. દરરોજ સાંજે આપણા વેદ અને અગસ્ત સંહિતા પર લેસર શો થાય છે. દરેક હિંદુએ અવશ્ય જોવો !!”

અમારી વધુ તપાસમાં અમને આવો જ વીડિયો ધરાવતી ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ અને યુટ્યુબ વીડિયો મળી આવ્યા હતા. જેના પરથી એ સ્પષ્ટ થઈ ગયું કે, આ લાઇટ શો ઉત્તરપ્રદેશના નોઈડામાં વેદ વાન પાર્કમાં યોજાયો હતો.

અમારી વધુ તપાસમાં અમને કેટલાક અન્ય અહેવાલો પણ પ્રાપ્ત થયા હતા. આ અહેવાલો અનુસાર,“વેદ વાન પાર્ક એ 12 એકરમાં બનેલો ભારતનો પહેલો વૈદિક-થીમ આધારિત પાર્ક છે જેમાં લેસર શો, વોલ પેઈન્ટિંગ્સ અને શિલ્પોનો સમાવેશ થાય છે જેમાં ચાર વેદોના અવતરણો છે: ઋગવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ લેસર શોની રચના માટે અમે સાહિત્ય અને શ્લોક વાસ્તવિક રીતે સાચા છે તેની ખાતરી કરવા માટે દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજના સંસ્કૃત પ્રોફેસરોની સલાહ લીધી. પાર્કના આર્કિટેક્ટ નીલિમા રાણા એવું કહે છે કે, ”અમારો વિચાર એ હતો કે, લોકો અમારા શાસ્ત્રો તરફ પાછા જાય અને ભારતીય સંસ્કૃતિની અજાયબીઓ અને તરબોળ અનુભવોથી આશ્ચર્યચકિત થઈને મનોરંજન દ્વારા તેના વિશે શીખે”.નોઈડા સેક્ટર 78માં વેદ વાન પાર્કનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું. ચાર વેદની થીમ પર આધારિત વેદ વન પાર્ક 27 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

અગાઉ જ્યાં કચરો જમા થતો હતો તે જગ્યા પર વેદ વન પાર્ક બનાવવામાં આવ્યો હતો. આ ઉદ્યાનને વૈદિક યુગના કશ્યપ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર અને અગસ્ત્ય જેવા ઋષિઓના નામ પરથી સાત ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. ભારતીય ઋષિઓ અને પવિત્ર ગ્રંથો પરની માહિતી પણ ત્યાં પ્રદર્શિત કરવામાં આવી છે. આ પાર્કને દરેક જગ્યાએ પેઈન્ટીંગથી સુશોભિત કરવામાં આવ્યો છે. આ પાર્કમાં 50,000 છોડ છે. અન્ય મીડિયા આઉટલેટ્સે પણ અહેવાલ આપ્યો હતો જેમાં પાર્કની વિગતોનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતીના આધારે એ સ્પષ્ટ સાબિત થાય છે કે, અયોધ્યામાં સરયુના કિનારે લાઇટ શો તરીકે ફરતો વીડિયો નોઇડાના ‘વેદ વન પાર્ક’નો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લેસર શોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અયોધ્યાનો નહીં પરંતુ નોઈડા ખાતે આવેલા વેદ વન પાર્કના લેસર શોનો છે. આ વીડિયોને અયોધ્યા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો અયોધ્યા ખાતે સરયુ નદી પર લેસર શોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False