
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળે છે અને ડીજે વાગી રહ્યુ છે આ વચ્ચે પોલીસ ત્યાં પહોંચી અને બંધ કરાવે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પોલીસ કાર્યવાહીનો વિડિયો આણંદ શહેરનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોલીસ કાર્યવાહીનો આ વિડિયો આણંદનો નહિં પરંતુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજનો છે. જેમાં પોલીસ દ્વારા વરરાજા સહિત 17 લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આણંદનો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
City News Rajkot Live નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પોલીસ કાર્યવાહીનો વિડિયો આણંદ શહેરનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથણ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને એબીપી અસ્મિતાના ફેસબુક એકાઉન્ટ પર આ વિડિયો 22 એપ્રિલ 2021ના આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સાંબરકાઠાના પ્રાંતિજ તાલુકાના અમરાપુર ગામમાં પોલીસ ચાલુ વરઘોડે રેડ પાડી.”
ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જીએસટીવીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનો ભંગ કરવા બદલ વરરાજા તેમજ તેના પિતા સહિત 17 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી અને સામાન પણ જપ્ત કરવામાં આવ્યો.”
તેમજ અમને ગુજરાતસમાચારનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પ્રાંતિજ તાલુકાના ખારી અમરાપુર ગામે સુનિલસિંહ વિજયસિંહ ઝાલાના લગ્ન નિમિત્તે બુધવારના રોજ રાત્રે વરઘોડાનું આયોજન કર્યુ હતું પરંતુ આ વરઘોડાના અયોજન કરતાં પહેલાં આયોજકોએ મામલતદાર તેમજ પોલીસની કોઈપણ પ્રકારની પૂર્વમંજુરી વિના વરઘોડો કાઢયો હતો અને આ વરઘોડામાં નિયમ કરતાં વધુ લોકો એકઠા થયા હતા. વરઘોડા આયોજક વરરાજા ડી.જે માલિક વીડીયોગ્રાફર, ઘોડાવાળો, અને મંડપ બાંધનાર સહિત ૧૭ વ્યકિત વિરૂદ્ધ પ્રાંતિજ પોલીસે ગુનો નોંધ્યો હતો.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમરાપુર ગામનો જ છે. આંણદનો હોવાની વાત તદ્દન ખોટી છે. તેમજ આ અંગે 17 લોકો સામે ફરિયાદ નોંધાય છે. જેના FIR નંબર 120904121055 છે. 17 તમામ લોકો સામે આઈપીસી કલમ 269, 270, 188, 114 તેમજ એપેડેમિક ડીસીઝ એક્ટ 1897ની કલમ 3 તથા ડિસાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51-(બી) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોલીસ કાર્યવાહીનો આ વિડિયો આણંદનો નહિં પરંતુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજનો છે. જેમાં પોલીસ દ્વારા વરરાજા સહિત 17 લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આણંદનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર આંણદમાં ચાલુ લગ્ન પર પોલીસે પહોંચી બંધ કરવાવ્યા હતા…?
Fact Check By: Yogesh KariaResult: Partly False
