જાણો ઘર તૂટી જવાને કારણે રડી રહેલી બાળકીના વાયરલ વીડિયોનું શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર નૂંહ ખાતે થયેલી હિંસાના ઘણા બધા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક રડી રહેલી બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણાના નૂંહ ખાતે થયેલી હિંસા બાદ સરકારે ઘરો પર બુલડોઝર ચલાવાતાં સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરી રહેલી બાળકીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં રડી રહેલી બાળકીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હરિયાણાના નૂંહનો નહીં પણ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ઝૂંપડપટ્ટી હટાવ્યા બાદ બેઘર થયેલી બાળકીનો છે. આ વીડિયોને નૂંહમાં થયેલી હિંસા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Aiyub Pathan નામના ફેસબુક યુઝર દ્વારા 12 ઓગષ્ટ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ગરીબ લોકો ની હાઈ લાગી જસે તયારે લકવો જ મારી જસે...જેણે બી આ ઓર્ડર પાસ કર્યો છે... હસી હસી ને કરેલા બુરા કર્મો રડી રડી ને ભોગવ વા પડશે કુદરત કોઈ ને નહી છોડશે આ છોકરી ના ભણવા ના ચોપડા પણ આ હરા મી કૂતરા ઓ એ લેવા ના દીધા કોઈ બી સામાન લેવા દીધો નથી અને ઘર ઉપર બુલડોઝર ફેરવી દીધુ... શુ આ છોકરી ના આશુ ની કીમત ચુકવ વી પડશે કે નહી..??? જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણાના નૂંહ ખાતે થયેલી હિંસા બાદ સરકારે ઘરો પર બુલડોઝર ચલાવાતાં સર્જાયેલી પરિસ્થિતિનું વર્ણન કરી રહેલી બાળકીનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ધ લલ્લનટોપ દ્વારા 19 જૂન, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 16 જૂને દિલ્હીમાં પ્રિયંકા ગાંધી કેમ્પમાં ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી હતી. લગભગ 10 વર્ષથી ત્યાં રહેતા 500 થી વધુ રહેવાસીઓને વિસ્થાપિત થવું પડ્યું હતું. દિલ્હી અર્બન સ્લમ ઇમ્પ્રૂવમેન્ટ બોર્ડ (DUSIB) દ્વારા કરવામાં આવેલ ડિમોલિશન પછી, આ સ્થળને પાછળથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા ઉપયોગ માટે નિયુક્ત કરવામાં આવ્યું હતું.
આ વીડિયોમાં એ જ યુવતીનું નિવેદન સાંભળી શકાય છે, જે નૂંહના નામે વાયરલ થઈ રહી છે.
યુટ્યુબ વીડિયોમાં રિપોર્ટરે અન્ય અસરગ્રસ્ત રહેવાસીઓના નિવેદન પણ લીધા છે.
17 જૂનના ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, DUSIB દ્વારા ડિમોલિશન દિલ્હી હાઇકોર્ટે ઓપરેશન પર સ્ટે આપવાનો ઇનકાર કર્યાના બે અઠવાડિયા પછી આવે છે.
અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, 16 જૂનની સવારે બુલડોઝર આ વિસ્તારમાં પ્રવેશ્યા ત્યારે, ઓલ ઈન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન, ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન અને સીપીઆઈ (એમએલ) ના સભ્યો તેમજ રહેવાસીઓએ વિરોધ કર્યો હતો.
ઝી ન્યૂઝની વેબસાઈટ પર 16 જૂનના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, 16 જૂનની સવારે NDRF મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ, અર્ધલશ્કરી દળ, બુલડોઝર અને ઘણી ટ્રકો સાથે પહોંચી અને આ લોકોને બહાર કાઢ્યા બાદ ઝૂંપડપટ્ટીઓ અને તેમના ઘરોને બુલડોઝરે ધ્વસ્ત કરી દીધા.
અમારી વધુ તપાસમાં અમને દિલ્હીની આ ઘટના અંગેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. indianexpress.com | theprint.in | timesofindia.indiatimes.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રડી રહેલી બાળકીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હરિયાણાના નૂંહનો નહીં પણ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ઝૂંપડપટ્ટી હટાવ્યા બાદ બેઘર થયેલી બાળકીનો છે. આ વીડિયોને નૂંહમાં થયેલી હિંસા સાથે કોઈ જ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો ઘર તૂટી જવાને કારણે રડી રહેલી બાળકીના વાયરલ વીડિયોનું શું છે સત્ય....
Written By: Vikas VyasResult: Misleading