
તાજેતરમાં સમગ્ર ભારતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી સાથે ચાલતાં ઉમટેલી ભીડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈંદોર ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ઉમટેલી ભીડનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઈંદોરનો નહીં પરંતુ કર્ણાટક ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ઉમટેલી ભીડનો છે. આ વીડિયોને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Anand Parmarનામના ફેસબુક યુઝર દ્વારા 27 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઈન્દોર માં ભારત જોડો યાત્રા…… પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈંદોર ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ઉમટેલી ભીડનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સુપ્રિયા ભારદ્વાજ દ્વારા 22 ઓક્ટોમ્બર, 2022 ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો કર્ણાટકના રાયચૂર ખાતે બારત જોડો યાત્રામાં ઉમટેલી ભીડનો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા દ્વારા પણ 22 ઓક્ટોમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેમાં પણ આ વીડિયો કર્ણાટકના રાયચૂરનો હોવાની માહિતી આપવામાં આવી છે.
નીચે તમે વાયરલ વીડિયો અને સંશોધનમાં પ્રાપ્ત વીડિયોમાં દેખાઈ રહેલા સમાન દ્રશ્યો વચ્ચેની સમાનતા જોઈ શકો છો.

જેના પરથી અમે એ કહી શકીએ કે, આ વીડિયો એક જ જગ્યાના છે. વધુમાં અમને હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા 22 ઓક્ટોમ્બરના પ્રસારિત એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, તે દિવસે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કર્ણાટકના રાયચુરના યેરાગેરા ગામમાં હતી. તેના પરથી આપણે કહી શકીએ કે, વાયરલ વીડિયો કર્ણાટકના રાયચુરનો છે.
તમને એ પણ જણાવી દઈએ કે, 27 નવેમ્બરે ભારત જોડો યાત્રા મધ્ય પ્રદેશના ઈંદોરમાં હતી અને આ વીડિયો તેના પહેલાનો છે. તેથી સ્વાભાવિક છે કે, આ વીડિયો ઈંદોરનો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઈંદોરનો નહીં પરંતુ કર્ણાટક ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ઉમટેલી ભીડનો છે. આ વીડિયોને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ,
ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને
અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ
ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને
ફોલો કરો.)

Title:શું ખરેખર ઈંદોર ખાતે ભારત જોડો યાત્રામાં ઉમટેલી ભીડનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Partly False
