
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના ISRO દ્વારા ચંદ્ર પર પહોંચેલા ચંદ્રયાન 3 ના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વાયરલ થઈ રહેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચંદ્રની સપાટી પર પહોંચેલા ભારતના ચંદ્રયાન 3 ના ચાલવાને કારણે અશોકસ્તંભ અને ઈસરોનો લોગો અંકિત થયો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ડિજીટલી બનાવવામાં આવ્યો છે જેની પુષ્ટી આ લોગો જે વ્યક્તિ દ્વારા બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો તેના દ્વારા કરવામાં આવી છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
તત્વમસિ મલ્ટીથેરાપી નામના ફેસબુક પેજ દ્વારા 23 ઓગષ્ટ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આજે ચંદ્રની સપાટી પર કાયમી ધોરણે આ છાપ અંકિત થયી ગઈ.રોવરના ટાયર પર આ છાપ છે, અને ચંદ્ર પર હવા નથી તેથી આ નિશાનો ચંદ્ર સપાટી પર કાયમ અંકિત રહેશે.. ! સાથે સાથે દરેક ભારતીય ના હ્ર્દય પર પણ..!! પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ચંદ્રની સપાટી પર પહોંચેલા ભારતના ચંદ્રયાન 3 ના ચાલવાને કારણે અશોકસ્તંભ અને ઈસરોનો લોગો અંકિત થયો તેનો આ ફોટો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને આ પ્રકારના ફોટો અંગેની કોઈ જ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોતાં નીચે ડાબી બાજુના ખૂણા પર Krishanshu Garg નામનો એક વોટરમાર્ક જોવા મળ્યો હતો.

ઉપરોક્ત નામને ધ્યાનમાં રાખીને અમે ક્રિશાંસુ ગર્ગની સોશિયલ મીડિયા પ્રોફાઈલ શોધી કાઢી હતી. તેમણે તેમના ઈન્સ્ટાગ્રામ પર 24 ઓગસ્ટે આજ ફોટો સાથે એક પોસ્ટ કરી હતી. જેમાં એં લખ્યું હતું કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો ફોટો તેમના દ્વારા બનાવવામાં આવેલ એક આર્ટવર્ક છે.
તેમની પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, “મારી આર્ટવર્કને મળેલા જબરજસ્ત પ્રતિસાદ માટે હું ખૂબ જ આભારી છું, અને હું તેને વાયરલ કરવામાં તમારા બધાના સમર્થન માટે મારો પ્રતિભાવ વ્યક્ત કરવા માંગુ છું! જો કે મેં ઘણા લોકોને દાવો કરતા જોયા છે કે, આ ISRO દ્વારા શેર કરાયેલા “વાસ્તવિક ચિહ્નો” છે. ચંદ્રના નિશાન ઐતિહાસિક ચંદ્રયાન-3 ઉતરાણના કાઉન્ટડાઉન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યા હતા, અને મેં તે વિવિધ ઇલેક્ટ્રોનિક મીડિયા ચેનલો સાથે શેર કર્યા છે. કૃપા કરીને આ સંદર્ભે ખોટા સમાચાર ફોરવર્ડ કરવાનું બંધ કરો. ઉત્સાહ પ્રેરણદાયક છે. હું તમારી દરેક લાઈક અને શેર માટે આભારી છું. ચાલો આપણો આનંદ ચાલું રાખીએ અને ISRO ની ભાવિ સિદ્ધિઓની રાહ જોઈએ.”
ત્યાર બાદ અમે ક્રિશાંસુ ગર્ગનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે પુષ્ટિ કરી કે, તેમણે ચંદ્ર પર ઉતરાણના કાઉન્ટડાઉન તરીકે આર્ટવર્ક બનાવ્યું હતું, પરંતુ તે ખોટા દાવા સાથે વાયરલ થયું હતું કે, તે ચંદ્રની સપાટી પર અંકિત થયેલો અશોક સ્તંભ અને ISROનો લોગો હતો. તેમનો સ્પષ્ટ સંદેશ તમે નીચે જોઈ શકો છો.

વધુમાં અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, ઈસરો દ્વારા આ પ્રકારે કોઈ ફોટો જાહેર કરવામાં આવ્યા છે કે કેમ? ઈસરો દ્વારા આ પ્રકારે કોઈ ફોટો જાહેર નથી કર્યા પરંતુ ઈસરો દ્વારા ચંદ્રયાન 3 નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર કઈ રીતે પહોંચ્યું એ અંગે ટ્વિટ કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ડિજીટલી બનાવવામાં આવ્યો છે જેની પુષ્ટી આ લોગો જે વ્યક્તિ દ્વારા બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો તેના દ્વારા કરવામાં આવી છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો ચંદ્રની સપાટી પર અશોકસ્તંભ અને ઈસરોનો લોગો દર્શાવતા વાયરલ ફોટોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: Missing Context
