શું ખરેખર આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે…? જાણો શું છે સત્ય....
જીગો અમદાવાદી નામના ફેસબુક પેજ દ્વારા 27 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાલો મોદુ કેમ ઘડી ઘડી અમેરિકા જાય સે ઇ હવે ખબર પડી, આવો ડફોળ પ્રેસિડન્ટ અને ફેકુ એનો દોસ્ત.. ઈજ્જત કાઢી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક બિકીનીધારી છોકરી સાથે નજરે પડી રહ્યા છે તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 131 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 2500 થી વધુ લોકો દ્વારા વીડિયો જોવામાં આવ્યો હતો. 28 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 30 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Video Archive
સંશોધન
ડોનાલ્ડ ટ્રમ્પ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના રાષ્ટ્રપતિ છે. પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વીડિયોમાં કોઈ છોકરી સાથે ડોનાલ્ડ ટ્રમ્પ વીડિયો બનાવતા નજરે પડી રહ્યા છે. જે થોડી શંકા પેદા કરે છે. તેથી અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈ શોધવાની કોશિશ કરતાં અમને એ માલૂમ પડ્યું કે, વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નહીં પરંતુ એક કલાકાર છે જે તેમના જેવો દેખાય છે. જેનું નામ ડેનિસ એલન છે. એક ફોટો માટેની ઈન્સ્ટીટ્યૂટ, ગેટી ઈમેજની વેબસાઈટ પર તેમના ઘણા બધા ફોટો જોવા મળે છે.
ગેટી ઈમેજ પર અમને પ્રાપ્ત થયેલા ફોટો સાથે એવું લખેલું છે કે, ટ્રમ્પની ઈંગ્લેન્ડ યાત્રાના વિરોધ માટે લંડનના ટ્રાફલગર સ્ક્વેયર ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં ડેનિસ કે જે ટ્રમ્પ જેવો જ દેખાય છે તે ત્યાં મેકઅપ કરીને હાજર હતો. એલને તે સમયે બિકીનીધારી છોકરી સાથે ફોટો પડાવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
હવે એ પણ જાણવું જરૂરી હતું કે, ડેનિસ એલન છે કોણ?
મેટ્રો યુકેની વેબસાઈટ અનુસાર, ડેનિસ એલન 68 વર્ષના એક સેવાનિવૃત્ત શિક્ષક છે. તેઓ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા દેખાવને કારણે દુનિયાભરમાં જાણીતા છે. ડેનિસને સૌપ્રથમ એક બ્રિટિશ ફોટોગ્રાફર એલિશન જેક્શન દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ જેવા દેખાવાની માહિતી આપવામાં આવી હતી. આ ફોટોગ્રાફર સામાન્ય માણસો કે જે મશહૂર હસ્તીઓ સમાન દેખાતા હોય તેઓના ફોટો લેવા માટે જાણીતા હતા. હાલમાં એલનને ખોટી રીતે ટ્રમ્પ બનાવા પર દુનિયભરમાં બોલાવવામાં આવે છે. આ બંને વચ્ચે ઘણું બધું એવું સામ્ય છે કે, જેને કારણે લોકો તેમને અસલી ડોનાલ્ડ ટ્રમ્પ તરીકે જુએ છે. ફોટોગ્રાફર જેક્શને જૂન મહિનામાં લંડનમાં થયેલા એક કાર્યક્રમનો ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો. જેને તમે નીચે જોઈ શકો છો. તેમજ વાયરલ વીડિયોમાં ફોટોગ્રાફર જેક્શનને પણ તમે જોઈ શકો છો.
ડેનિસ અલને 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ન્યૂયોર્કમાં ટ્રમ્પના વિરોધમાં ચાલી રહેલા એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. ત્યારે પણ ડેનિસે બિકીનીધારી છોકરીઓ સાથે ફોટોશુટ કરાવ્યું હતું. એ સમયે પણ આ સ્ટંટ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. તેમણે મહિલાઓ દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓનો વિરોધ કર્યો હતો. જે વીડિયો પણ તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયોમાં દેખાતો વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નથી પરંતું તેમના જેવો દેખાતો એક કલાકાર ડેનિસ એલન છે.
ફેક્ટ ક્રેસેન્ડોની મરાઠી ટીમ દ્વારા પણ આ વીડિયોની સત્યતા તપાસવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં દેખાતો વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નથી પરંતુ તેમના જેવો દેખાતો એક કલાકાર ડેનિસ એલન છે. આ વીડિયો 4 જૂન, 2019 ના રોજનો છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરવામાં આવ્યો હતો.
છબીઓ સૌજન્ય :ગુગલ
Title:શું ખરેખર આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે…? જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False