શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવી રહ્યા છે...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટો વાયરલ થઈ રહ્યા છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મેકઅપ માટે મહિને 15 લાખ રૂપિયાના પગારથી એક મેકઅપ આર્ટિસ્ટ રાખી છે તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો નરેન્દ્ર મોદીની મેકઅપ આર્ટિસ્ટનો નહીં પરંતુ લંડન સ્થિત ‘મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમ’ની એક મહિલા કર્મચારીનો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક પેજ દ્વારા 15 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મેકઅપ માટે મહિને 15 લાખ રૂપિયાના પગારથી એક મેકઅપ આર્ટિસ્ટ રાખી છે તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Madame Tussauds London દ્વારા 16 માર્ચ, 2016 ના રોજ અપલોડ કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં મૂકવામાં આજ ફોટોને તમે જોઈ શકો છો. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, 7, લોક કલ્યાણ માર્ગ, નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રીના નિવાસસ્થાને (જે પહેલા 7, રેસ કેર્સ રોડના નામે ઓળખાતું હતું) મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમના કર્મચારીઓ અને કલાકાર પ્રધાનમંત્રીની મુલાકાતે આવ્યા હતા. આ લોકો મ્યુઝિયમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મીણમાંથી પૂતળું બનાવવા માટેની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આવ્યા હતા.
પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો એજ સમયે લેવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમ, લંડનમાં સ્થિત મીણના પૂતળાઓનું ખૂબ પ્રખ્યાત સંગ્રહાલય છે. આ સંગ્રહાલયમાં વિશ્વ વિખ્યાત હસ્તીઓનાં મીણનાં પૂતળા બનાવવામાં આવે છે અને બાદમાં તે પ્રદર્શન માટે રાખવામાં આવે છે. 'મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમ' ની વિશ્વના 6 ખંડોમાં 23 શહેરોમાં શાખાઓ આવેલી છે. જેની માહિતી તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
https://www.madametussauds.com/
આજ માહિતી સાથેનો અન્ય એક વીડિયો પણ અમને પ્રાપ્ત થયો હતો જે તમે અહીં જોઈ શકો છો. Namo Sarkar
અમારી વધુ તપાસમાં અમને ગુજરાતી મીડિયા હાઉસ દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. iamgujarat.com | khabarchhe.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો નરેન્દ્ર મોદીની મેકઅપ આર્ટિસ્ટનો નહીં પરંતુ લંડન સ્થિત ‘મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમ’ની એક મહિલા કર્મચારીનો છે.
Title:શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવી રહ્યા છે...?
Fact Check By: Vikas VyasResult: False