શું ખરેખર કપાસના પાકમાં રહેલી ઝેરી ઈયળ કરડવાથી 3 લોકોના મોત થયા…? જાણો શુ છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ઈયળ અને કેટલાક લોકોના ખેતરમાં મૃત્યુ થયા હોવાના નામે ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કપાસના ખેતરમાં ઝેરી ઈયળ કરડવાથી 3 લોકોના મોત થયા તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૃત્યુ થયેલા જે લોકોના ફોટો મૂકવામાં આવ્યા છે એ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે આકાશી વીજળીને કારણે મોતને ભેટેલા લોકોના છે. જ્યારે જે ઈયળનો ફોટો મૂકવામાં આવ્યો છે એ એટલી બધી ઝેરી નથી હોતી કે જેને કારણે મૃત્યુ થઈ જાય. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Samad Shaikh નામના ફેસબુક યુઝર દ્વારા 14 સપ્ટેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કપાસ માં ફરતા ભાઈઓ સાવધાન કપાસ ની ઝેરી ઈયળ કરડવાથી ૩ના મોત इसे शेयर करें. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કપાસના ખેતરમાં ઝેરી ઈયળ કરડવાથી 3 લોકોના મોત થયા તેના આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કપાસના ખેતરમાં ઝેરી ઈયળ કરડવાથી મોત થયા હોવા અંગેની કોઈ જ માહિતી કે સમાચાર અમને પ્રાપ્ત થયા નહતા.

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Jagat News 24 દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર 10 સપ્ટેમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નાહવે ગામમાં શિવાજી ચૌહાણ તેમના પુત્ર દિપક ચૌહાણ અને પત્નીની સાથે ખેતરમાં ગયા હતા ત્યારે જ જોરદાર વરસાદ અને વીજળી શરુ થતાં તેઓ એક વૃક્ષની નીચે ઉભા રહ્યા હતા. એજ સમયે અચાનક ભયાનક વીજળી પડતાં પિતા-પુત્ર તેની ઝપેટમાં આવતાં તેમનું મોત થયું હતું જ્યારે મહિલાનો આબાદ બચાવ થયો હતો.

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. hindusthansamachar.in

ત્યાર બાદ અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે મહેસાણા જિલ્લાના ખેરવા કૃષિ યુનિવર્સિટીના એક કૃષિ વૈજ્ઞાનિક મુકેશભાઈ પટેલનો સંપર્ક કરતાં તેઓએ અમને આ અંગે જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર જે મેસેજ અને ફોટા વાયરલ થઈ રહ્યા છે એ માહિતી તદ્દન ખોટી છે. ફોટોમાં જે ઈયળ દેખાઈ રહી છે એ એક પ્રકારની એવી ઈયળ છે જે મુખ્યત્વે શેરડી અને નારિયેળના પાકમાં જોવા મળે છે. જ્યારે કપાસના પાકમાં આ પ્રકારની કોઈ જ ઝેરી ઈયળ જોવા મળી હોવાનું મારા ધ્યાનમાં નથી. વધુમાં આ પ્રકારે ઈયળ કરડવાથી મોત થયા હોવાના કોઈ સમાચાર પણ મારા ધ્યાનમાં આવ્યા નથી. કપાસના પાકમાં છંટકાવ કરેલી જંતુનાશક દવા કેટલીક વાર આડઅસર કરે છે. પરંતુ જે ફોટો વાયરલ થઈ રહ્યા છે એ કોઈ આકાશી વીજળી કે વીજ કરંટથી થયેલા મોતના હોવાનું અનુમાન લગાવી શકાય.”

તેઓએ અમને આ અંગે ખુલાસો આપતો એક વીડિયો પણ મોકલ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેઓએ ગુજરાતમાં થતા પાકોમાં જોવા મળતી કેટલીક ઝેરી ઈયળો (Caterpillar) અંગે માહિતી આપતો પણ એક વીડિયો બનાવ્યો હતો અને અમને મોકલ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત વીડિયોમાં આપવામાં આવેલી માહિતીમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ખેતીના પાકોમાં જે-જે ઝેરી ઈયળો જોવા મળે છે તેના કરડવાથી વ્યક્તિનું મૃત્યું નથી થતું પરંતુ ચામડી પર ખરજ આવે, ફોલ્લા થાય કે પછી અન્ય કોઈ એલર્જી થાય છે. 

એગ્રીસાયન્સ નામની વેબસાઈટ પર પણ એક વીડિયોમાં આ દાવાને ખોટો ઠેરવવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૃત્યુ થયેલા જે લોકોના ફોટો મૂકવામાં આવ્યા છે એ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે આકાશી વીજળીને કારણે મોતને ભેટેલા લોકોના છે. જ્યારે જે ઈયળનો ફોટો મૂકવામાં આવ્યો છે એ એટલી બધી ઝેરી નથી હોતી કે જેને કારણે મૃત્યુ થઈ જાય. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:શું ખરેખર કપાસના પાકમાં રહેલી ઝેરી ઈયળ કરડવાથી 3 લોકોના મોત થયા…? જાણો શુ છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False