શું ખરેખર બેન્કમાં NPR દસ્તાવેજ જમા ન કરવા પર ખાતું બ્લોક કરવામાં આવશે...? જાણો શું છે સત્ય…
ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન નામના ફેસબુક પેજ દ્વારા 9 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, જરુરી સૂચના દરેક વ્યક્તિને જાણ કરવામાં આવે છે કે, 31 માર્ચ, 2020 પહેલાં તમારા તમામ પૈસા બેન્કોમાંથી ઉપાડી લેવા. 1 એપ્રિલ, 2020 માં NPR દસ્તાવેજ બેન્કોમાં માંગવામાં આવશે. જેની પાસે આ દસ્તાવેજ નહીં હોય એનું બેન્ક એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે. આ સૂચનાને વધુમાં વધુ લોકોને શેર કરો. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, 1 એપ્રિલ, 2020 પહેલાં તમારા બધા પૈસા બેન્કોમાંથી ઉપાડી લેવા કારણ કે, ત્યાર પછી બેન્કો દ્વારા તમારી પાસે NPR દસ્તાવેજ માંગવામાં આવશે અને જેની પાસે એ નહીં હોય તેનું ખાતું બ્લોક કરી દેવામાં આવશે. આ પોસ્ટને 9 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર 1 એપ્રિલ, 2020 ના રોજ બેન્કોમાં NPR દસ્તાવેજ જમા ન કરવા પર તમારું ખાતું બ્લોક કરી દેવમાં આવશે? એ જાણવા માટે સૌપ્રથમ અમે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ઓફિસિયલ વેબસાઈટ www.rbi.org.in પર જઈને આ પ્રકારે સરકાર દ્વારા કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે કેમ? એ જાણવાની કોશિશ કરી હતી પરંતુ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનો સંપર્ક કર્યો હતો અને બાબતે ફરજ પરના અધિકારીને વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “હજુ સુધી સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. NPR દસ્તાવેજ 1 એપ્રિલ, 2020 બાદ જમા નહીં કરાવો તો ખાતું બ્લોક કરી દેવામાં આવશે એવી કોઈ સૂચના કે પરિપત્ર હજુ સુધી ઉચ્ચ સ્તરેથી આપવામાં આવી નથી.”
ઉપરોક્ત માહિતી અંગે વધુ જાણવા માટે અમે અન્ય બેન્કોમાં પણ સંપર્ક કરીને પૂછતાં તેઓ દ્વારા પણ આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.
આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 1 એપ્રિલ, 2020 બાદ NPR દસ્તાવેજ બેન્કો દ્વારા માંગવામાં આવશે અને એ જમા નહીં કરનારનું ખાતું બ્લોક કરવામાં આવશે એ માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 1 એપ્રિલ, 2020 બાદ NPR દસ્તાવેજ બેન્કો દ્વારા માંગવામાં આવશે અને એ જમા નહીં કરનારનું ખાતું બ્લોક કરવામાં આવશે એ માહિતી તદ્દન ખોટી છે.
છબીઓ સૌજન્ય : ગુગલ
Title:શું ખરેખર બેન્કમાં NPR દસ્તાવેજ જમા ન કરવા પર ખાતું બ્લોક કરવામાં આવશે...? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False