
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એસ.ટી. મહામંડળના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એસ.ટી. મહામંડળ દ્વારા 65 વર્ષથી ઉપરના લોકો માટે સ્માર્ટ કાર્ડની યોજના શરુ કરવામાં આવી છે જેમાં તેઓ 4000 કિલોમીટર સુધી મફત મુસાફરી કરી શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુજરાત સરકારના એસ.ટી. વિભાગ દ્વારા ખોટી ગણાવવામાં આવી છે. આ પ્રકારની કોઈ જ યોજના ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Munjal Shah નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *ખુશ ખબર*. પુખ્ત વયના (૬૫ વર્ષ થી મોટી ઉંમરના) લોકો માટે એસ. ટી. મહામંડળ દ્વારા સ્માર્ટ કાર્ડ ની યોજના શરૂ કરવામાં આવી છે. એ મુજબ ૪,૦૦૦ કિમી સુધીના પ્રવાસ દરમિયાન કોઈ જ ટિકિટ લેવાની જરૂર નથી. આ વ્યક્તિએ ફક્ત એકજ કામ કરવું એસ. ટી. મહામંડળની ઓફિસ પર જઈ આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અથવા ઇલેક્શન સ્લીપ રૂ. ૫૫/- લઈ જવા અને આ સ્કીમ નો લાભ લેવો. આ સંદેશ દરેક ગ્રુપમાં મોકલાવો જેથી દરેક પુખ્ત વયના લોકો ને લાભ થાય. *હરિ ૐ *. જ્યારે પોસ્ટમાં મૂકવામાં માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એસ.ટી. મહામંડળ દ્વારા 65 વર્ષથી ઉપરના લોકો માટે સ્માર્ટ કાર્ડની યોજના શરુ કરવામાં આવી છે જેમાં તેઓ 4000 કિલોમીટર સુધી મફત મુસાફરી કરી શકે છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી સાચી હોવાનું જાણવા મળ્યું નહતું. ત્યાર બાદ અમે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ gsrtc.in/site/ પર ચેક કરતાં ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ યોજના હોવાની માહિતી પ્રાપ્ત થઈ નહતી.
ત્યાર બાદ અમે અમારી તપાસને આગળ વધારતાં અમને GSRTC ના જનસંપર્ક અધિકારી દ્વારા 18 ઓગષ્ટ, 2021 ના રોજ બહાર પાડવામાં આવેલ એક પરિપત્ર પ્રાપ્ત થયો હતો. જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો હોવાનું સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે. તેમાં વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, એસ.ટી. નિગમ કે તેની સાથે સંકળાયેલા કોઈ પણ સંગઠન દ્વારા આ પ્રકારની કોઈ યોજના લાગુ કરવામાં આવી નથી.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આ અંગે મહેસાણા જિલ્લાના ડિવિજન ટ્રાફિક અધિકારી સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે એ તદ્દન ખોટો છે. આ પ્રકારની કોઈ જ યોજના એસ.ટી. નિગમ કે તેની સાથે સંકળાયેલા કોઈ પણ સંગઠન દ્વારા બહાર પાડવામાં આવી નથી. લોકોએ આ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં.”
વધુમાં અમને દિવ્યભાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે.
અમારી વધુ તપાસમાં આ મેસેજ અફવા હોવા અંગેના સમાચાર એક સમાચારપત્રમાં પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુજરાત સરકારના એસ.ટી. વિભાગ દ્વારા ખોટી ગણાવવામાં આવી છે. આ પ્રકારની કોઈ જ યોજના ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવી નથી.

Title:શું ખરેખર 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને એસ.ટી. મહામંડળ આપી રહ્યું છે મફત મુસાફરી….?
Fact Check By: Vikas VyasResult: False
