રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીના પાર્થિવ દેહ પર કલમા પઢી હોવાની વાત ખોટી છે... જાણો શું છે સત્ય....
હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મૃતદેહની સામે પ્રાર્થના કરતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “વાયરલ ફોટો ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કારના સમયનો છે. રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીએ તેમના મૃતદેહ સમક્ષ કલમાનો પાઠ કર્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વાયરલ ફોટો ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કારના સમયનો છે. રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીએ તેમના મૃતદેહ સમક્ષ કલમાનો પાઠ કર્યો હતો.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને સ્કાયસ્ક્રેપરસિટી નામની વેબસાઈટ પર આ તસવીર જોવા મળી. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, આ તસવીર પાકિસ્તાનમાં બાચા ખાનના અંતિમ સંસ્કારની છે.
આ ક્લુના આધારે, અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, અમને પાકિસ્તાનના નેતા મોહસિન દાવરના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર વાયરલ તસવીર સાથે સંબંધિત એક ટ્વિટ મળ્યું. 27 જાન્યુઆરી, 2016ના રોજ વાયરલ તસવીર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં આ ફોટોને બચ્ચા ખાનના અંતિમ સંસ્કારનો ગણાવ્યો હતો.
તેમજ વધુ સર્ચ કરતા અમને ન્યૂયોર્ક ટાઇમ્સ અને LA ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા વાયરલ દાવા સંબંધિત અહેવાલો મળ્યા. રિપોર્ટ અનુસાર, અબ્દુલ ગફાર ખાનનું 20 જાન્યુઆરી 1988ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં અવસાન થયું, ત્યારબાદ રાજીવ ગાંધી અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પરિવાર સાથે પાકિસ્તાન પહોંચ્યા. તેમની સાથે કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓ પણ ત્યાં ગયા હતા. અબ્દુલ ગફાર ખાન સીમંત ગાંધી અને બચ્ચા ખાન તરીકે પણ જાણીતા હતા. તેઓ સરહદી પ્રાંત અને બલુચિસ્તાનના નેતા હતા અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો.
તેમજ વધુ સર્ચ કરતા અમને 17 સપ્ટેમ્બર 2011ના રોજ બાસિત ખાન નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલ અબ્દુલ ગફાર ખાનના અંતિમ સંસ્કારનો વીડિયો મળ્યો. વીડિયોમાં 1 મિનિટ 6 સેકન્ડના વાયરલ ફોટો જેવા જ દ્રશ્ય જોઈ શકાય છે.
આ પછી અમે ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કાર વિશે શોધવાનું શરૂ કર્યું. હિંદુસ્તાનના એક રિપોર્ટ અનુસાર ઈન્દિરા ગાંધીનું 1984માં અવસાન થયું હતું. શોધ દરમિયાન, અમને તેમના અંતિમ સંસ્કાર સાથે સંબંધિત ઘણા ચિત્રો અને વીડિયો મળ્યા, તેમના અંતિમ સંસ્કાર હિંદુ વિધિ મુજબ કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કારનો નહીં પરંતુ પાકિસ્તાનના નેતા બચ્ચા ખાનના અંતિમ સંસ્કાર દરમિયાનનો છે. ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કાર હિન્દુ રિતરિવાજ મુંજબ કરવામાં આવ્યા હતા.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)