
તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજે-રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં હાલમાં સોશિયલ મીડિયા પર સાયકલ પર એક વ્યક્તિ લાશ લઈ જઈ રહ્યો હોવાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ચાલી રહેલી કોરોના મહામારીના સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 માં આસામના મજુલી ખાતે બનેલી ઘટનાનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dinesh Kachhadiya નામના ફેસબુક યુઝર દ્વારા 6 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આટલો વીકાસ તો કલ્પયો પણ નય હોય …હવે વીકાસ ની ઉપલી ટોચે પહોચી ગયા છયયે ?? કે થોડૂ હજી ઉપર જાવુ જોશે.પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ચાલી રહેલી કોરોના મહામારીના સમયનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને oneindia.com નામની વેબસાઈટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 19 ઓપ્રિલ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આસામના મુખ્યમંત્રીના મતવિસ્તાર મજુલીમાં સારા રસ્તા ન હોવાને કારણે એક વ્યક્તિ દ્વારા તેના ભાઈની લાશને સાયકલ પર લઈ જવામાં આવી.
આજ માહિતી સાથેના સમાચાર indianexpress.com દ્વારા 19 એપ્રિલ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 માં આસામના મજુલી ખાતે બનેલી ઘટનાનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શું ખરેખર તાજેતરમાં ચાલી રહેલી કોરોના મહામારીના સમયનો આ ફોટો છે…?
Fact Check By: Vikas VyasResult: Missing Context
