શું ખરેખર અમાદાવાદમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો...? જાણો શું છે સત્ય…
राकेश यादव टीम अहमदाबाद નામના ફેસબુક યુઝર દ્વારા 24 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Between Vijay cross road to commerce six road. In Ahmedabad Metro Line Collapsed near Phoenix Mall. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદમાં વિજય ચાર રસ્તા અને કોમર્સ છ રસ્તા વચ્ચે ફોનિક્સ મોલની નજીક મેટ્રો લાઈનનો પુલ ધરાશાયી થયો તેનો આ ફોટો છે. આ પોસ્ટને 44 લોકોએ લાઈક કરી હતી. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અમદાવાદમાં વિજય ચાર રસ્તા અને કોમર્સ છ રસ્તા વચ્ચે ફોનિક્સ મોલની નજીક મેટ્રો લાઈનનો પુલ ધરાશાયી થયો તેનો આ ફોટો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોતાં ત્યાં નીચે પડેલા બોર્ડ પર RAJIV CHOWK – SOHNA HIGHWAY લખેલું જોવા મળ્યું હતું.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા દ્વારા 22 ઓગષ્ટ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ધરાશાયી થયેલા પુલના ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ગુરુગ્રામના સોહના રોડ પર એલિવેટેડ કોરિડોરનો સ્લેબ તૂટી ગયો. જેમાં 2 વ્યક્તિઓને ઇજાઓ થતાં બંનેને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર હેઠળ છે. એનએચએઆઈ, એસડીએમ અને નાગરિક સંરક્ષણની ટીમ ઘટનાસ્થળ પર છે.
ANI અને Hindustan Times દ્વારા પણ હરિયાણાના ગુરુગ્રામ ખાતે ધરાશાયી થયેલા પુલના સમાચાર આપવામાં આવ્યા હતા.
Dainik Jagran દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો પુલ ધરાશાયી થયાનો ફોટો અમદાવાદનો નહીં પરંતુ હરિયાણાના ગુરુગ્રામ ખાતે સોહના રોડ પર પુલ ધરાશાયી થયો તેનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો પુલ ધરાશાયી થયાનો ફોટો અમદાવાદનો નહીં પરંતુ હરિયાણાના ગુરુગ્રામ ખાતે સોહના રોડ પર પુલ ધરાશાયી થયો તેનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર અમાદાવાદમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો...? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False