
ભીમા કોરેગાંવ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં રખાયેલા ફાધર સ્ટેન સ્વામીના અવસાન પછી એક તરફ રાજકારણ ગરમાયું છે અને સરકારને સોશિયલ મિડિયા પર અનેક સવાલો પુછવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઘણાં લોકોએ એક ફોટો શેર કરી રહ્યા છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિને હોસ્પિટલના પલંગ પર સાંકળથી બાંધવામાં આવ્યો છે. આ પોસ્ટ કરી અને દાવો કરી રહ્યા છે કે, “હોસ્પિટલમાં બાંધીને રખાયેલ આ વૃદ્ધ વ્યક્તિ ફાધર સ્ટેન સ્વામી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ફાધર સ્ટેન સ્વામીના અવસાન પછી, તેમના નામે વાયરલ થયેલી તસવીર ખરેખર યુપીના એટામાં હત્યાના ગુના બદલ સજા ભોગવી રહેલા 92 વર્ષિય બાબુરામ બલવાનની છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Babu Suthar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હોસ્પિટલમાં બાંધીને રખાયેલ આ વૃદ્ધ વ્યક્તિ ફાધર સ્ટેન સ્વામી છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 13 મે 2021ના એનડીટીવી દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર “તસવીરમાં જોવા મળતી વ્યક્તિ 92 વર્ષિય બાબુરામ બલવાન સિંહ છે. હત્યાના ગુના બદલ બાબુરામ યુપીની એટા જેલમાં સજા ભોગવી રહ્યા છે. બાબુરામને શ્વાસની તકલીફ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.”

તેમજ વધુ સર્ચ કરતા અમને એનડીટીવી દ્વારા 18 મે 2021ના પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના મે મહિનામાં બની હતી. આ ઘટના બાદ જેલના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.”

ઉત્તર પ્રદેશના ડીજી (જેલ) આનંદકુમારે આ સમાચારની નોંધ લીધી અને જેલ વોર્ડન અશોક યાદવને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા. આ સાથે તેમણે ટ્વિટર પર દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી.
આ ઘટના બાદ સેન્ટ્રલ હ્યુમન રાઇટ્સ કમિશને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ મોકલીને ઘટના અંગે જવાબ માંગ્યો હતો. અહેવાલમાં જણાવ્યા અનુસાર, હ્યુમન રાઇટસ કમિશનનું કહેવું છે કે 90 વર્ષનો વૃદ્ધ હજી જેલમાં છે તે હકીકત દંડની સમીક્ષા બોર્ડની કામગીરી અંગે ઘણા સવાલો ઉભા કરે છે.
ફાધર સ્ટેન સ્વામીએ મહિનાઓથી તેમની તબિયત લથડતી હોવાથી કોર્ટને જામીન આપવા જણાવ્યું હતું. પરંતુ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ તેની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. કોર્ટના આદેશ મુજબ તેમની 28 મેથી મુંબઇની હોલી લાઇફ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગયા શુક્રવારે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. અને ગઈકાલે સોમવારે સવારે તેમનું અવસાન થયુ હતુ.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ફાધર સ્ટેન સ્વામીના અવસાન પછી, તેમના નામે વાયરલ થયેલી તસવીર ખરેખર યુપીના એટામાં હત્યાના ગુના બદલ સજા ભોગવી રહેલા 92 વર્ષિય બાબુરામ બલવાનની છે.

Title:શું ખરેખર ફોટોમાં જોવા મળતી વ્યક્તિ ફાધર સ્ટેન સ્વામી છે…?
Fact Check By: Yogesh KariaResult: False
