
हम हैं गुजरात નામના ફેસબુક યુઝર દ્વારા 24 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઇટલીની હાલત આવી છે અત્યારર.. પ્લીઝ બધા ધ્યાન રાખજો.. નિયમોનું પાલન કરીએ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈટલીમાં કોરોના વાયરસના કારણે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ પોસ્ટને 63 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 103 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ઈટલીમાં કોરોના વાયરસના કારણે ઉત્પન્ન થયેલી પરિસ્થિતિના આ ફોટો છે? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને howafrica.com દ્વારા 23 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો.જેમાં આ તમામ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી છે કે, આ તમામ ફોટો રવિવારે ક્રોએશિયાની રાજધાની જાગ્રેબમાં આવેલા 5.3 ની તિવ્રતાના ભૂકંપના છે. જેમાં ઘણું બધુ નુકશાન થયું હતું. ઘણી ઈમારતો પણ પડી ભાંગી હતી. લોકડાઉનના કારણે ઘરમાં પૂરાયેલા લોકો ભૂકંપથી બચવા માટે ઘરની બહાર ભાગ્યા હતા.

અમારી વધુ તપાસમાં આ તમામ ફોટો સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. nadorcity.com | pukmedia.com
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો ઈટલીના નહીં પરંતુ ક્રોએશિયામાં આવેલા ભૂકંપના છે. જેને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો ઈટલીના નહીં પરંતુ ક્રોએશિયામાં આવેલા ભૂકંપના છે. આ ફોટોને કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:ક્રોએશિયામાં આવેલા ભૂંકંપના ફોટો ઈટલીમાં કોરોના વાયરસના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
