
તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે હરિદ્વાર ખાતે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કુંભમેળાના સોશિયલ મીડિયા પર અનેક ફોટા વાયરલ થઈ રહ્યા છે ત્યારે કેટલાક સાધુઓનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભમેળાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં હરિદ્વાર ખાતે યોજાયેલા મહાકુંભ મેળાનો નહીં પરંતુ વર્ષ 2013 માં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહા કુંભમેળાનો છે. આ ફોટોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા 18 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કુંભમેળાની આ તસવીર જોઈને WHO પણ નારાજ થઇ વિચારતું હશે કે “આ ઇન્ડિયનો માસ્ક આટલું બધું નીચે કેમ પહેરે છે ?”. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભમેળાનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને remotelands.com નામની વેબસાઈટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 14 ફેબ્રુઆરી, 2013 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા અહેવાલમાં પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે વર્ષ 2013 માં યોજાયેલા મહા કુંભમેળાનો આ ફોટો છે.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ ઉપરોક્ત માહિતી સાથે મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. ibtimes.co.in | hinduismtoday.com | jaytindall.asia
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં હરિદ્વાર ખાતે યોજાયેલા મહાકુંભ મેળાનો નહીં પરંતુ વર્ષ 2013 માં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહા કુંભમેળાનો છે. આ ફોટોને કોરોના કે માસ્ક સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શું ખરેખર વર્ષ 2021 માં હરિદ્વાર ખાતે યોજાયેલા કુંભમેળાનો આ ફોટો છે…?
Fact Check By: Vikas VyasResult: False
