તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે ઉજ્જૈન ખાતે મહાકાલેશ્વરના દર્શન કર્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવિક ફોટોમાં પાકિસ્તાની ક્રિકેટરે કપાળમાં તિલક કર્યું હોય એવું ક્યાંય જોવા મળતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hitesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓક્ટોમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ચૂંટણી નજીકમાં છે....... આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે ઉજ્જૈન ખાતે મહાકાલેશ્વરના દર્શન કર્યા તેનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે ઉજ્જૈન ખાતે મહાકાલ મહાદેવના દર્શન કર્યા હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર thefauxy.com પર 29 સપ્ટેમ્બર, 2023 ના રોજ મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે ઉજ્જૈનના મહાકાલેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી.

પરંતુ અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, thefauxy.com ની વેબસાઈટ પર જે પણ માહિતી અને ફોટો કે સમાચાર મૂકવામાં આવે છે એ ફક્ત મનોરંજન માટે મૂકવામાં આવે છે.

અમારી વધુ તપાસમાં અમને deccanherald.com ના એહેવાલ પરથી એ જાણવા મળ્યું હતું કે, પાકિસ્તાનની ક્રિકેટ ટીમ 2023 નો ક્રિકેટ વર્લ્ડકપ રમવા માટે ભારતના હૈદરાબાદ ખાતે પહોંચી ત્યારે તેમનું ભગવા દુપટ્ટા સાથે સ્વાગત કરવામાં આવ્યું તે સમયનો ફોટો પોસ્ટમાં એડિટ કરીને મૂકવામાં આવ્યો છે. આ ફોટોમાં ક્યાંય પણ બાબર આઝમના કપાળમાં તિલક જોવા મળતું નથી.

આજ સમાચાર ANI દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

નીચે તમે પોસ્ટમાં મૂકવવામાં આવેલા પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમના એડિટેડ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવિક ફોટોમાં પાકિસ્તાની ક્રિકેટરે કપાળમાં તિલક કર્યું હોય એવું ક્યાંય જોવા મળતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમે કપાળમાં તિલક કરી મહાકાલના દર્શન કર્યા...? જાણો શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: Altered