
Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા 21 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, દિલ્લી માં ભાજપ નો ખુલ્લો પ્રચાર..
700 રૂપિયા લ્યો અને ભાજપ ને મત આપો. લોકતંત્રની ખૂલ્લેઆમ હત્યા. 👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં ભાજપ દ્વારા લોકોને ભાજપને મત આપવા માટે 700 રૂપિયા આપવામાં આવી રહ્યા છે તેનો છે. આ પોસ્ટને 556 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 37 લોકો દ્વારા પોતાનો મત રજૂ કરવામાં આવ્યો હતો. 34000 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 1600 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હીમાં ભાજપ દ્વારા લોકોને ભાજપને મત આપવા માટે 700 રૂપિયા આપવામાં આવી રહ્યા છે તેનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં જે મહિલા દેખાઈ રહી છે તેના હાથમાં જે કાગળ રહેલો છે તેના પર કૌશલ્યા દેવી બંસલ તેમજ ભાજપનું ચિહ્ન કમળ તમે સ્પષ્ટ જોઈ શકો છો.

ત્યાર બાદ અમે અમારી આગળની તપાસમાં ગુગલનો સહારો લઈને કૌશલ્યા દેવી બંસલ નામના કીવર્ડથી સર્ચ કરતાં અમને bhaskar.com દ્વારા 22 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો છત્તીસગઢમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણી સમયનો છે. કૌશલ્યા દેવી બંસલ મહાસમુંદના વોર્ડ નંબર 19 ના ભાજપના ઉમેદવાર હતા.
આ સમાચારમાં વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, મહાસમુંદના મતદાનની એક રાત પહેલા જ આ વીડિયો વાયરલ થયો હતો. જેમાં મહાસમુંદ નગરપાલિકાની વર્તમાન ઉપાધ્યક્ષ તથા વોર્ડ નંબર 19 ની ભાજપની ઉમેદવાર કૌશલ્યા દેવી બંસલ અને તેમના સગામાં થતી બહેન લલિતા અગ્રવાલ કે જે ભાજપની જિલ્લા ઉપાધ્યક્ષ છે. દૈનિક ભાષ્કરના આ સમાચારને એવું શીર્ષક આપવામાં આવ્યું છે કે, છત્તીસગઢ – ભાજપના ઉમેદવારનો વીડિયો વાયરલ. જે 4 વ્યક્તિઓનો છે, દીદીના તરફથી ગિફ્ટ છે, એક વોટના 700-700 રૂપિયા. આ ઉપરાંત વધુમાં અમને એ પણ જાણકારી પ્રાપ્ત થઈ હતી કે મહાસમુંદની નગરપાલિકાની ચૂંટણીના પરિણામ 23 ડિસેમ્બર, 2019 ના રોજ જાહેર થયા હતા. જેમાં મહાસમુંદથી ભાજપના ઉમેદવાર કૌશલ્યા દેવીની હાર થઈ હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

આજ માહિતી સાથેના વધુ એક સમાચાર તમે અહીં જોઈ શકો છો. rashtrabodh.com
સમાચારમાં એ પણ માહિતી આપવામાં આવી હતી કે, કૌશલ્યા દેવી બંસલ અને લલિતા અગ્રવાલ દ્વારા આ વીડિયોને ફેક બતાવવામાં આવ્યો હતો. તેમજ વીડિયોમાં જે અવાજ સંભળાય છે તેની સાથે પણ છેડછાડ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ધ લલ્લનટોપ દ્વારા પણ 22 જાન્યુઆરી, 2020 ના રોજ આ વીડિયોની સત્યતા ચકાસવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. thelallantop.com
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવોલો વીડિયો દિલ્હીનો નહીં પરંતુ છત્તીસગઢના મહાસમુંદમાં બનેલી ઘટનાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવોલો વીડિયો દિલ્હીનો નહીં પરંતુ છત્તીસગઢના મહાસમુંદમાં બનેલી ઘટનાનો છે. જેને દિલ્હીની ચૂંટણી સાથે તોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર દિલ્હીમાં ભાજપ દ્વારા વોટ માટે 700 રૂપિયા આપવામાં આવ્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
