શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે લોકો વોટની રક્ષા માટે રસ્તા પર ઉતર્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથમાં લાકડીઓ લઈને રસ્તા પર નીકળેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે યોજાયેલી ચૂંટણીમાં વોટની રક્ષા માટે લોકો રસ્તા પર ઉતર્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021 માં ઉત્તરપ્રદેશના દુબૌલિયા ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને ઉત્તરપ્રદેશમાં યોજાયેલી ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Anand Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 9 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લોકશાહી અને પોતાના વોટ ની રક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશ માં જનતા નીકળી પડી છે…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે યોજાયેલી ચૂંટણીમાં વોટની રક્ષા માટે લોકો રસ્તા પર ઉતર્યા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 9 જુલાઈ, 2021 ના રોજ ઉત્તરપ્રદેશના બારાબાંકીના વિધાન પરિષદના સભ્ય Rajesh Yadav-Raju દ્વારા તેમના સત્તાવાર ફેસબુક પર મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, “જ્યારે સરકાર જ અન્યાય કરવા લાગે છે ત્યારે લોકો આવી રીતે જ તેમનું સિંહાસન હલાવવા આવે છે. જ્યારે ભાજપના ગુંડાઓએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શ્રી તાલેવાન યાદવ (અંકલ જી)ને જિલ્લા બસ્તીના દુબૌલિયા બ્લોકમાંથી ઉમેદવારી નોંધાવવા ન દીધી, ત્યારે આસપાસના વિસ્તારના હજારો લોકો તાલેવાનજીના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા. તો પછી ભાજપના ગુંડાઓનું શું? બ્લોક પરિસરની આસપાસ ક્યાંય પણ જોવા મળ્યા નહીં.”

આજ વીડિયો અમને યુટ્યુબ પર પણ પ્રાપ્ત થયો હતો.

અમારી વધુ તપાસમાં અમને 10મી જુલાઈ, 2021 ના રોજ જાગરણમાં પ્રકાશિત એક સમાચાર મળ્યા હતા. સમાચાર અનુસાર, ઉમેદવારી પત્ર ભરતી વખતે સપા નેતા તાલેવાન યાદવ અને તેમના સહયોગીઓએ ભાજપ સમર્થિત ઉમેદવાર વિનય કુમાર સિંહ ઉર્ફે સોનુ પર લાકડીઓથી હુમલો કર્યો હતો.

હુમલા દરમિયાન અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને વાહનો પલટી નાંખવામાં આવ્યા હતા. પોલીસે ઘટના બાદ યાદવ અને તેના સમર્થકો સામે ગુનો નોંધ્યો હતો. અમર ઉજાલામાં છપાયેલા અહેવાલ મુજબ તાલેવાન યાદવની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે એક ટ્વિટર યુઝરે આવો જ દાવો કરતા વાયરલ વીડિયો પોસ્ટ કર્યો ત્યારે ઈટાવા પોલીસે જવાબ આપ્યો કે, વાયરલ વીડિયોને ઈટાવા સાથે કોઈ લેવાદેવા નથી. તેમજ આવી કોઈ રેલી પણ થઈ નથી. વાયરલ વીડિયો જુલાઇ 2021 નો છે. આ સિવાય ઈટાવા પોલીસે આ માહિતીને યુપી પોલીસ સાથે પણ ટેગ કરી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021 માં ઉત્તરપ્રદેશના દુબૌલિયા ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને ઉત્તરપ્રદેશમાં યોજાયેલી ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે લોકો વોટની રક્ષા માટે રસ્તા પર ઉતર્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False