
તાજેતરમાં સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈઝરાયેલ દ્વારા લેબેનોન પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈકનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બિલ્ડિંગ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2024માં બૈરુતના રહેણાંક બિલ્ડિંગ પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો છે. આ વીડિયોને તાજેતરમાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી સ્ક્રીનશોટ લીધો અને રિવર્સ ઈમેજ સર્ચ કર્યું. જેનાથી અમને આ જ વાયરલ વીડિયો સાથેના સમાચાર NDTV દ્વારા 23 ઓક્ટોબર, 2024ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આ રિપોર્ટ અનુસાર, વીડિયોમાં બૈરૂતમાં એક રહેણાંક ઇમારત પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલાની માહિતી આપવામાં આવી છે.
વધુ તપાસમાં અમને 23 ઓક્ટોબર, 2024ના રોજ ધ ટેલિગ્રાફની યુટ્યુબ ચેનલ પર પણ આ જ માહિતી અને વાયરલ વીડિયો મળ્યો હતો.

આ વીડિયોના વર્ણનમાં લખ્યું છે કે, “ઇઝરાયલે દક્ષિણ બૈરૂતમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગનો નાશ કર્યો છે, જેનો આ દુર્લભ ફોટોગ્રાફ છે.
ઇઝરાયલે “હિઝબુલ્લાહ સુવિધાઓ”ને નિશાન બનાવવા અંગે અરબીમાં ચેતવણી આપ્યા પછી રહેવાસીઓ અને પત્રકારો એક એપાર્ટમેન્ટ સંકુલથી 200 મીટર (218 યાર્ડ) દૂર એકઠા થયા હતા. આ ચેતવણી આપ્યાના લગભગ 40 મિનિટ પછી, ઇઝરાયેલી દળોએ આઠ માળની ઇમારતના પાયા પર 2,000 પાઉન્ડનો MK-84 બોમ્બ ફેંક્યો હતો.
ઘટનાસ્થળના ફૂટેજ અને છબીઓમાં બે બોમ્બ એક પછી એક પડતા દેખાતા હતા, જે સૂચવે છે કે, બે મિસાઇલો બૈરૂતના ઘોબેરી વિસ્તારમાં આવેલી ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર પડી હતી.
અમારી વધુ તપાસમાં અમને આ જ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં અને અહીં જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બિલ્ડીંગ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2024માં બૈરુતના રહેણાંક બિલ્ડીંગ પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો છે. આ વીડિયોને તાજેતરમાં ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


