શું ખરેખર નવા વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી દ્વારા મીડિયા સમક્ષ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપનો ખેસ પહેરીને મીડિયા સામે બોલી રહેલા એક નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ બોલી રહ્યા છે એ ભાજપના નવા વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી છે તેઓ મીડિયા સામે અભદ્ર શબ્દો બોલી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે એ ભૂજ નગરપાલિકાના નગરસેવક કાસમ ધાલા છે અને તેઓએ પુષ્ટી કરી હતી કે, વાયરલ થઈ રહેલો વીડિયો તેમનો જ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vikram Damor નામના ફેસબુક યુઝર દ્વારા 19 સપ્ટેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ છે નવા વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રયાણી …. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ બોલી રહ્યા છે એ ભાજપના નવા વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી છે તેઓ મીડિયા સામે અભદ્ર શબ્દો બોલી રહ્યા છે.

Facebook Post | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, નવા વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી દ્વારા ક્યાંય પર આ પ્રકારે મીડિયા સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો તેમજ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા વ્યક્તિ અને અરવિંદ રૈયાણીના ફોટોની સરખામણી કરતાં આ બંને અલગ હોવાનું માલીમ પડ્યું હતું. 

ત્યાર અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ભૂજના નગરસેવક કાસમ ધાલાનો છે તો અમે સીધો જ કાસમ ધાલાનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો મારો જ છે. હું હાલમાં ભૂજ નગરપાલિકામાં નગરસેવક તરીકે મારી ફરજ બજાવું છું. વર્ષ 2017 માં જ્યારે હું ભાજપમાં જોડાયો ત્યારે મારા દ્વારા આ પ્રકારે બોલાઈ ગયું હતું. જો કે, અમારી તળપદી લોકોલ ભાષામાં આ શબ્દનો અર્થ મૂર્ખ બનાવવો એવો થાય છે જેનું મેં બાદમાં સ્પષ્ટીકરણ પણ કર્યું હતું.”

વધુમાં તેઓએ અમને એ પણ જણાવ્યું હતું કે, વીડિયોમાં મીડિયા સામે હું જ બોલી રહ્યો છું તાજેતરમાં મારો આ વીડિયો નવા વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીના નામે વાયરલ થઈ રહ્યો છે.

 વધુમાં તેઓએ મીડિયા સમક્ષ કરેલી સ્પષ્ટતા અંગે સમાચારપત્રમાં છપાયેલા સમાચારનું કટિંગ પણ અમને મોકલ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

WhatsApp Image 2021-09-20 at 9.40.24 PM.jpeg

વધુમાં તમે નીચે કાસમ ધાલા અને અરવિંદ રૈયાણીના ચહેરા વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

WhatsApp Image 2021-09-20 at 7.14.05 PM.jpeg

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે એ ભૂજ નગરપાલિકાના નગરસેવક કાસમ ધાલા છે અને તેઓએ પુષ્ટી કરી હતી કે, વાયરલ થઈ રહેલો વીડિયો તેમનો જ છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર નવા વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી દ્વારા મીડિયા સમક્ષ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો…?

Fact Check By: Vikas Vyas 

Result: False