
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનો તેમના દીકરાને એક મંદિરની દાનપેટીમાં દાન કરતાં અટકાવતા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે પવિત્ર શ્રાવણ માસમાં તેમના દીકરાને સોમનાથ ખાતે દાનપેટીમાં દાન કરતાં રોક્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 નો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, નીતિન પટેલે તેમના દીકરાને દાન કરતાં અટકાવ્યો નહતો પરંતુ તેને એકસાથે મોટી ભેટ સોમનાથ ટ્રસ્ટને દાન આપવા માટે કહેવામાં આવ્યું હતું. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Raksha Masiyava નામના ફેસબુક યુઝર દ્વારા 13 સપ્ટેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, નીતિનભાઈ એ 50 રું માટે CM પદ ગુમાવ્યું… પવિત્ર શ્રાવણ માસમાં તેઓ પરિવાર સાથે સોમનાથ દાદા ના દર્શને ગયા હતા તેમના પરિવાર જને શ્રદ્ધા થી રું 50 સોમનાથ દાદા ને ધરવા માટે કાઢ્યા ને નીતિનભાઈ નોં જીવ રું 50 મા બગડ્યો ને પરિવાર જન ને શિવજી ને અર્પણ કરવાની ચોખી ના પડી દીધી.. તે દી ભોળાનાથ એ કીધું તું કાય વાંધો નઈઅમેય આ બાબત યાદ રાખશુ.. ને યાદ રાખી રોડે ચડાવ્યા … . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે પવિત્ર શ્રાવણ માસમાં તેમના દીકરાને સોમનાથ ખાતે દાનપેટીમાં દાન કરતાં રોક્યો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Zee 24 Kalak દ્વારા વર્ષ 2018 માં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે તેમના પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શને ગયા હતા ત્યારે તેમના દ્વારા તેમના દીકરાને દાનપેટીમાં રુપિયા મૂકતા રોકવામાં આવ્યો હતો એ અંગે તેઓએ ખુલાસો કર્યો છે કે, તેમના દીકરાને દાનપેટીમાં રુપિયા મૂકતા એટલા માટે રોકવામાં આવ્યો હતો કે, તેમના પરિવાર દ્વારા સોમનાથ મંદિરમાં ચાંદીનો બાજોઠ ભેટ આપવામાં આવ્યો હતો જેને પરિણામે તેને રોકીને બધું જ દાન સાથે કરવાનું કહેવામાં આવ્યું હતું. આ અંગે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, નીતિન પટેલે સોમનાથ ટ્રસ્ટને ચાંદીનો બાજોટ ભેટ સ્વરુપે આપ્યો છે.
વધુમાં અમને આજ માહિતી સાથેના સમાચાર સંદેશ ન્યૂઝ દ્વારા 28 ઓગષ્ટ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
અમારી વધુ તપાસમાં અમને અન્ય મીડિયા માધ્યમ દ્વારા પણ આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. gujarati.abplive.com | meranews.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 નો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, નીતિન પટેલે તેમના દીકરાને દાન કરતાં અટકાવ્યો નહતો પરંતુ તેને એકસાથે મોટી ભેટ સોમનાથ ટ્રસ્ટને દાન આપવા માટે કહેવામાં આવ્યું હતું.

Title:શું ખરેખર તાજેતરમાં ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ દ્વારા તેમના દીકરાને સોમનાથ ખાતે દાન કરતાં રોકવામાં આવ્યો…?
Fact Check By: Vikas VyasResult: Missing Context
