શું ખરેખર એકલા મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા માટે 9969777888 હેલ્પલાઈન નંબર કાર્યરત છે...? જાણો શું છે સત્ય…
Nimesh Thakkar નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 9969777888. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એકલા મુસાફરી કરતી મહિલાઓ 9969777888 નંબર પર તમે જે વાહનમાં બેઠા હોવ તેનો વાહન નંબર SMS કરવાથી તમારા ફોન પર તરત જ એક્નોલેજમેન્ટ મેસેજ આવશે અને તમારા વાહન પર GPRS થી નજર રાખવામાં આવશે. આ પોસ્ટને 13 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા 9969777888 નંબર પર કોલ કે મેસેજ કરવાથી મહિલાઓને સુરક્ષા માટે કોઈ સેવા પ્રાપ્ત થાય છે કે નહીં? એ ચકાસવા માટે સૌપ્રથમ અમે 9969777888 નંબર પર કોલ કરતાં “ડાયલ કરવામાં આવેલો નંબર હાલમાં સેવામાં નથી. કૃપા કરીને નંબર ચકાસો.” એવું સાંભળવા મળ્યું હતું. ત્યાર બાદ અમે પોસ્ટમાં કહ્યા મુજબ આ નંબર પર મેસેજ પણ કર્યો હતો. જેનો પણ અમને કોઈ જ જવાબ પ્રાપ્ત થયો ન હતો. તેથી અમે અમારી તપાસ આગળ વધારી હતી.
અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને economictimes.indiatimes.com દ્વારા 8 માર્ચ, 2014 ના રોજ પ્રસારિત કરાવમાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે મુંબઈ પોલીસ દ્વારા એકલા મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખતાં 9969777888 હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો હતો. જેના પર મહિલા જે વાહનમાં બેસે તેનો વાહન નંબર SMS કરવાથી પોલીસ દ્વારા GPS થકી તે વાહન પર નજર રાખી શકાય છે. વધુમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, આ સેવા મુંબઈ પોલીસ અને MTNL ના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે શરૂ કરવામાં આવી હતી.
આ સેવા તાજેતરમાં આંધ્રપ્રદેશમાં ટેક્નોક્રેટ એસ્થર અન્હુયા પર થયેલા જાતિય હુમલા અને હત્યા બાદ શરૂ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
આ સમચારને ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પણ 8 માર્ચ, 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. indianexpress.com | Archive
અમારી વધુ તપાસમાં અમને મિડ-ડે દ્વારા 2 માર્ચ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેની માહિતી અનુસાર, આ હેલ્પલાઈન નંબર પર શરૂઆતના 9 મહિનામાં ફક્ત 1266 મેસેજ જ પ્રાપ્ત થયા હતા. ત્યાર બાદ દિવસેને દિવસે તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેને પરિણામે વર્ષ 2017 માં જ મુંબઈ પોલીસ દ્વારા 9969777888 હેલ્પલાઈન નંબર બંધ કરવામાં આવ્યો હતો. જે માહિતી તમે નીચે જોઈ શકો છો.
આ માહિતી સોશિયલ મીડિયા પર જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, બેંગ્લોરના નામે પણ વાયરલ થઈ હતી. વધુમાં અમને Delhi Police દ્વારા માર્ચ, 2016 ના રોજ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ સોશિયલ મીડિયા પર ફરતા આ મેસેજનો ખોટો ઠેરવવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
વધુમાં અમને PIB India દ્વારા પણ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો હોવાની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
આ માહિતીની આ પહેલાં અમારી હિન્દી ટીમ તેમજ મરાઠી ટીમ દ્વારા પણ સત્યતા ચકાસવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. Hindi | Marathi
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 9969777888 મહિલા હેલ્પલાઈન નંબર ફક્ત મુંબઈમાં મહિલાઓની સુરક્ષા માટે વર્ષ 2014 માં શરૂ કરવામાં આવ્યો હતો. જેને નહિવત સફળતા મળતાં આ સેવાને વર્ષ 2017 માં બંધ કરી દેવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 9969777888 મહિલા હેલ્પલાઈન નંબર ફક્ત મુંબઈમાં મહિલાઓની સુરક્ષા માટે વર્ષ 2014 માં શરૂ કરવામાં આવ્યો હતો. જેને નહિવત સફળતા મળતાં આ સેવાને વર્ષ 2017 માં બંધ કરી દેવામાં આવી હતી.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર એકલા મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા માટે 9969777888 હેલ્પલાઈન નંબર કાર્યરત છે...? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False