
હાલમાં નવા નાણાંકિય વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. હાલમાં બિગ બ્રેકિંગ ટેગ હેઠળ નાણામંત્રાલયની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે,“હવેથી કોઈ પણ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવે તેવું વિત્તમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યુ.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ નાણામંત્રાલય દ્વારા સરકારી નોકરી બહાર પાડવા પર કોઈ પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
જય ક્રાંતિકારી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હવેથી કોઈ પણ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવે તેવું વિત્તમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યુ.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને આજતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “નાણા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, સરકારી નોકરીમાં ભરતી પર કોઈ રોક લગાવવામાં નથી આવી. પહેલાની જેમ જ ભરતીઓ કરવામાં આવશે.”
તેમજ વધૂ સર્ચ કરતા નાણામંત્રાલય દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ આ અંગે માહિતી આપી હતી અને જણાવ્યુ હતુ કે, “ભારત સરકારમાં સરકારી પદો ભરવા પર કોઈ પ્રતિબંધ નથી મુકવામાં આવ્યો. સ્ટાફ સિલેક્શન કમિશન, યુપીએસસી, રેલવે ભરતી બોર્ડ, વગેરે સરકારી એજન્સીઓ દ્વારા સામાન્ય ભરતીઓ કોઈપણ પ્રકારના પ્રતિબંધ વિના રાબેતા મુજબ ચાલુ રહેશે.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે નાણામંત્રી નિર્મલા સિતારમણનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ નિવેદન વિત્ત મંત્રાલય દ્વારા આપવામાં નથી આવ્યુ, લોકોએ આ પ્રકારના મેસેજથી દૂર રહેવું જોઈએ.”
હવે આ વિવાદ આવ્યો ક્યાંથી સામે.?
ખરેખર, 4 સપ્ટેમ્બર 2020ના કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં બિન-આવશ્યક ખર્ચ પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતુ. મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે તમામ મંત્રાલયો અને વિભાગોએ અહીં નિયુક્ત કન્સલટેન્ટની સમીક્ષા કરવી જોઈએ. જરૂરિયાત મુજબ કન્સલટેન્ટની સંખ્યા ઘટાડવી જોઈએ.
આયાતી કાગળ પર કોઈ છાપકામ, બુક પ્રિન્ટિંગ કરવામાં આવશે નહીં. વિદેશમાં બનેલા દૂતાવાસને જ આમાંથી મુક્તિ મળશે. સ્થાપના દિન સહિત અનેક કાર્યક્રમોના ખર્ચમાં ઘટાડો કરવા સૂચનાઓ પણ અપાઇ હતી. તમે આ પરિપત્ર નીચે વાંચી શકો છો.
Economy-Measuresપરંતુ આ વિવાદનું અસલી મૂળ આ મેમોરેન્ડમમાં લખેલી બીજી વસ્તુ હતી. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગની મંજૂરી લીધા વિના નવી જગ્યાની રચના કરવામાં આવશે નહીં. વળી, જો 1 જુલાઈ, 2020 પછી નવી પોસ્ટ બનાવવામાં આવી છે, જેના માટે ખર્ચ વિભાગને મંજૂરી આપવામાં આવી નથી, અને કોઈ નિમણૂક પણ થઈ નથી, તો તે ખાલી રાખવી જોઈએ. જો આ અંગેની નિમણૂક ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો આ માટે ખર્ચ વિભાગની મંજૂરી લેવી જોઈએ. સરકારે 4 સપ્ટેમ્બર 2020 ના રોજ જારી કરેલા ઓફિસ મેમોરેન્ડમ પર સ્પષ્ટતા આપતા, એટલે કે 5 સપ્ટેમ્બરે, કહ્યું કે આ મેમોરેન્ડમની દર વર્ષે યોજાયેલી સામાન્ય ભરતી પર કોઈ અસર નહીં પડે. આ ફક્ત વિભાગની આંતરિક પ્રક્રિયા વિશે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ નાણામંત્રાલય દ્વારા સરકારી નોકરી બહાર પાડવા પર કોઈ પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર હવે કોઈ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવે….?
Fact Check By: Yogesh KariaResult: False
