અગ્નિવીર યોજનામાં ઉમેદવારો પાસે માંગવામાં આવી રહ્યું છે જાતિનું પ્રમાણપત્ર… જાણો શું છે સત્ય…

Communal False

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સેના ભરતી માટેની ‘અગ્નિવીર યોજના’ ખૂબ જ ચર્ચામાં છે. અગ્નિવીર યોજના દ્વારા યુવકોની સેનામાં ભરતી પ્રક્રિયા પર વિવાદ સર્જાયો છે. ત્યારે સોશિયલ મીડિયા પર અગ્નિવીર યોજનાને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અગ્નિવીર યોજનાની ભરતી પ્રક્રિયામાં પહેલી વખત ઉમેદવારો પાસે સરકાર જાતિનું પ્રમાણપત્ર માંગી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અગ્નિવીર યોજનામાં ભરતી માટે જે જાતિનું પ્રમાણપત્ર માંગવામાં આવી રહ્યું છે એ આ પહેલાં પણ સેનાની ભરતીમાં માંગવામાં આવતું જ હતું એવું સેના તેમજ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kirtisinh Zala નામના ફેસબુક યુઝર દ્વારા 19 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, #અગ્નિવીર સેનામાં કોઈપણ પ્રકારની અનામત નથી, પરંતુ અગ્નિપથની ભરતીમાં જાતિનું પ્રમાણપત્ર માંગવામાં આવી રહ્યું છે. શું હવે આપણે કોઈની જ્ઞાતિ જોઈને તેની દેશભક્તિ નક્કી કરીશું ? સરકારે સેનાની સ્થાપિત પરંપરાઓને બદલીને આપણી રાષ્ટ્રીય સુરક્ષા પર શું અસર પડશે તે અંગે વિચારવું જોઈએ…. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અગ્નિવીર યોજનાની ભરતી પ્રક્રિયામાં પહેલી વખત ઉમેદવારો પાસે સરકાર જાતિનું પ્રમાણપત્ર માંગી રહી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને આજ તક દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અગ્નિવીર યોજનામાં ભરતી અંગે માંગવામાં આવતા જાતિના સર્ટિફિકેટ અંગે એવું કહી રહ્યા છે કે, “હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે, આ એક સંપૂર્ણ અફવા છે. જે પહેલાં વ્યવસ્થા હતી, આઝાદી પહેલાં જે વ્યવસ્થા હતી એજ વ્યવસ્થા અત્યાર સુધી ચાલી આવી છે. જેમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું પરિવર્તાન કરવામાં નથી આવ્યું.” 

આજ માહિતીનું ખંડન કરતું વધુ એક નિવેદન કેન્દ્રના સૂચના તેમજ પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા પણ આપવામાં આવ્યું હતું.

અમારી વધુ તપાસમાં અમને ANI દ્વારા 19 જુલાઈ, 2022 ના રોજ કરવામાં આવેલું એક ટ્વિટ પ્રાપ્ત થયું હતું. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વિપક્ષ દ્વારા અગ્નિવીર યોજનાની ભરતીમાં જાતિનું પ્રમાણપત્ર માંગવામાં આવી રહ્યું છે એ મુદ્દે થયેલા વિવાદ અંગે સેનાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, અગ્નિવીર યોજનાની ભરતી પ્રક્રિયામાં ઉમેદવારો પાસે જાતિનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે અને જો જરુરી હોય તો ધર્મનું પણ પ્રમાણપત્ર માંગવામાં આવે છે આ પ્રક્રિયા પહેલાંથી જ ચાલી આવે છે. આ સંદર્ભે અગ્નિવીર યોજનામાં કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો.

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં અમને સેનામાં ભરતી પ્રક્રિયા અંગેના વર્ષ 2017, 2018 અને 2019 ના જૂના નોટિફિકેશનો પ્રાપ્ત થયા હતા. જેમાં પણ તમે જોઈ શકો છો કો, ઉમેદવારે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો જ છે. વર્ષ 2018 ની ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન PIB Fact Check દ્વારા 19 જુલાઈ, 2022 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટમાં કરવામાં આવ્યું હતું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અગ્નિવીર યોજનામાં ભરતી માટે જે જાતિનું પ્રમાણપત્ર માંગવામાં આવી રહ્યું છે એ આ પહેલાં પણ સેનાની ભરતીમાં માંગવામાં આવતું જ હતું એવું સેના તેમજ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

Avatar

Title:અગ્નિવીર યોજનામાં ઉમેદવારો પાસે માંગવામાં આવી રહ્યું છે જાતિનું પ્રમાણપત્ર… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False