
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને આપવામાં આવેલી ચેતવણીને એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાને કારણે વાહનમાં પેટ્રોલની ટાંકી ફૂલ કરવાથી વિસ્ફોટ થઈ શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એ બાબતની પુષ્ટી કરવામાં આવી છે કે, તેમના દ્વારા આ પ્રકારની કોઈ જ ચેતવણી વાહનચાલકોને આપવામાં આવી નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Paresh Varsani નામના ફેસબુક યુઝર દ્વારા 18 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાને કારણે વાહનમાં પેટ્રોલની ટાંકી ફૂલ કરવાથી વિસ્ફોટ થઈ શકે છે.

ઉપરોક્ત માહિતીને અન્ય કેટલાક ફેસબુક યુઝર્સ દ્વારા પણ શેર કરવામાં આવી હતી.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ક્યાંય પણ ઈન્ડિયન ઓઈલ દ્વારા આ પ્રકારે વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી હોય એવી કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા નહતા.
ત્યાર બાદ અમે ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ iocl.com ની મુલાકાત લીધી હતી. તો ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. અમારી વધુ તપાસમાં અમને Indian Oil Corp Ltd દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 9 એપ્રિલ, 2022 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલી આજ માહિતીનું ખંડન કરતી એક ટ્વિટ કરવામાં આવી હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા આ પ્રકારે કોઈ જ ચેતવણી વાહનચાલકોને આપવામાં આવી નથી. તેમજ વધુમાં એ પણ જણાવ્યું હતું કે, ઉનાળો હોય કે શિયાળો વાહનમાં તેની મહત્તમ મર્યાદા સુધી બળતણ ભરવું સંપૂર્ણપણે સલામત છે.
Indian Oil Corp Ltd દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ પર પણ આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.
વધુમાં તમને એ પણ જણાવી દઈએ કે, આજ માહિતી વર્ષ 2018 થી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ત્યારે પણ ઈન્ડિયન ઓઈલ દ્વારા તેનું ખંડન કરવામાં આવ્યું હતું. અમે વર્ષ 2019 માં પણ આજ માહિતીની સત્યતા તપાસી હતી. જે તમે અહીં જોઈ શકો છો. gujarati.factcrescendo.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એ બાબતની પુષ્ટી કરવામાં આવી છે કે, તેમના દ્વારા આ પ્રકારની કોઈ જ ચેતવણી વાહનચાલકોને આપવામાં આવી નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર તાજેતરમાં ગરમી વધાવાને કારણે ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
