શું ખરેખર ગરમીમાં વાહનની ટાંકી ફુલ કરવાથી થશે વિસ્ફોટ…!” જાણો સત્ય

False રાજકીય I Political

SURAT REPORTER નામના એક ફેસબુક પેજ દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, તાપમાન સતત ઊંચું રહેવા લાગ્યું છે અને કાળઝાળ ગરમી શરૂ થઈ. ઉપરોક્ત પોસ્ટની અંદર IOCL ના લોગો સાથે એવું લખેલું છે કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાને કારણે પોતાના વાહનમાં પેટ્રોલ તેની મહત્તમ સીમા સુધી ન ભરાવવું. આ બળતણની ટાંકીમાં વિસ્ફોટનું કારણ બની શકે છે. કૃપા કરીને તમે તમારા વાહનમાં અડધી ટાંકી જ બળતણ ભરાવો અને હવા માટે જગ્યા રાખો. આ અઠવાડિયામાં 5 વિસ્ફોટનું કારણ વધુ ભરેલું પેટ્રોલ સાબિત થયું છે. કૃપા કરીને પેટ્રોલની ટાંકીને દિવસમાં એક વાર ખોલીને તેના અંદર રહેલા ગેસને બહાર નીકળવા દો. નોંધ : આ મેસેજને તમે તમારા પરિવારના લોકો તેમજ અન્ય લોકોને મોકલો. જેનાથી લોકો આવી દુર્ઘટનાથી બચી શકે. ધન્યવાદ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 139 લોકોએ લાઈક કરી હતી, એક વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને 139 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી..

Face book | Archive

આ ઉપરાંત 2016 માં પણ આ જ પ્રકારે ઈન્ડિયન ઓઈલની ચેતવણીના શીર્ષક હેઠળ Gujarat – ગુજરાત નામના પેજ દ્વારા આ પોસ્ટ વાયરલ થઈ હતી. જે પોસ્ટને 2100 લોકોએ લાઈક કરી હતી, 21 લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા હતા તેમજ 7100 જેટલા લોકો દ્વારા આ પોસ્ટને શેર પણ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Face book | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લેતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.05.21-05-37-10.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ રીતે કોઈ ચેતાવણી કે નોટીસ બહાર પાડવામાં આવી હોય એવી  માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

આગળની વધુ તપાસમાં અમે IOCL ના ઓફિશિયલ ફેસબુક અને ટ્વિટર હેન્ડલની મુલાકાત લીધી હતી. ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી જોવા મળી ન હતી. પરંતુ અમને 10 જૂન, 2018 ના રોજ તેના ટ્વિટર પર કરવામાં આવેલી ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરના ટ્વિટમાં IOCL દ્વારા એવું લખવામાં આવ્યું છે કે, ઈન્ડિયન ઓઈલનો આવા કોઈ પણ નિવેદન અને ચેતવણી સાથે કોઈ જ સંબંધ નથી. ઓટો મોબાઈલ મેન્યુફેક્ચરર કંપનીઓ દરેક જરૂરિયાતના હિસાબે ગાડીઓ બનાવે છે. જેમાં સુરક્ષાના તમામ માપદંડોનો ખ્યાલ રાખવામાં આવે છે. જેમાં પેટ્રોલ અને ડિઝલ માટેની મહત્તમ સીમા પણ સામેલ હોય છે. એવામાં બળતણની ટાંકીને મહત્તમ સીમા સુધી ભરવામાં કોઈ જ સમસ્યા નડતી નથી. પછી એ ઉનાળો હોય કે પછી શિયાળો હોય.

આ ઉપરાંત અમે અમારી તપાસને આગળ વધારતાં IOCL ના એક અધિકારી સાથે આ અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “IOCL દ્વારા આ પ્રકારની કોઈ જ ચેતવણી આપવામાં નથી આવી. કેટલાક લોકો દ્વારા અમારી કંપનીના નામ અને લોગોનો ખોટો ઉપયોગ કરી થોડાક વર્ષો પહેલાં પણ આ પ્રકારની માહિતી મૂકવામાં આવી હતી. આ અંગે અમે આ મેસેજ ખોટો હોવાની પુષ્ટી પણ કરી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, IOCL દ્વારા આ પ્રકારે કોઈ જ ચેતવણી આપવામાં આવી નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ગરમીમાં વાહનની ટાંકી ફુલ કરવાથી થશે વિસ્ફોટ…!” જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas 

Result: False