પાલઘર લિંચિંગ કેસમાં NCP નેતા સંજય શિંદે મુખ્ય આરોપી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સળગતી કારનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં NCP ના નેતા સંજય શિંદે સાથે બનેલી દુર્ઘટનાનો આ ફોટો છે. સંજય શિંદે પાલઘર લિંચિંગ કેસના મુખ્ય આરોપી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, NCP ના નેતા સંજય શિંદેનું નામ પાલઘર લિંચિંગ કેસમાં હોવાની માહિતી તદ્દન ખોટી છે. આરોપીઓની યાદીમાં ક્યાંય પણ સંજય શિંદેનું નામ જોવા મળતું નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Manu Maheta Madka નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં NCP ના નેતા સંજય શિંદે સાથે બનેલી દુર્ઘટનાનો આ ફોટો છે. સંજય શિંદે પાલઘર લિંચિંગ કેસના મુખ્ય આરોપી છે.

જ્યારે પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પાલઘર માં સાધુઓની હત્યા કરનાર મુખ્ય આરોપી NCP નો નેતા સંજય શિંદે તેની જ ગાડીમાં જીવતો સળગી ગયો …..વાહ રે કુદરત વાહ…….વ્યાજ સહીત ન્યાય આપ્યો છે…..જય શ્રી રામ અને આ યોજનાબદ્ધ કાર્ય પુરૂ કરવા બદલ મહારાષ્ટ્ર સરકારે એક પોલીસ ઓફિસર ને બઢતી સહિત પદ અર્પણ કરી ને  શ્રી બાલાસાહેબ ઠાકરે આત્મા ને કેટલી ઠેસ પોચાડી હશે ઉધ્વઠાકરે સરકાર આ પાપ ની ભાગીદાર હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યુછેં નિર્દોષ સાધું સંતો ની હત્યા એક રાજકીય કાવતરુંજ છેં પોલીસ પોલીસ ઓફિસર ને બઢતી સહિત નાસિક મા પોસ્ટિંગ આજ ના ગુજરાતી ન્યુજ પેપર મુંબઈ સમચાર નું કટિંગ છેં.

screenshot-www.facebook.com-2020.10.22-22_38_44.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને patrika.com દ્વારા 23 માર્ચ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ગુરુવારે મોડી રાત્રે હરમાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અજમેર દિલ્હી હાઈવે પર અપ્પૂ ઘરની પાસે ચાલતી કારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે કારમાં આગ લાગી હતી. સમાચાર અનુસાર આ ફોટો પણ એજ ઘટનાનો છે.

image3.png

Archive

ઉપરોક્ત સમાચાર પરથી એ સ્પષ્ટ સાબિત થયું હતું કે, આ ફોટો NCP નેતા સંજય શિંદેની કારનો નથી. ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને એ શોધવાની કોશિશ કરી હતી કે, સંજય શિંદે સાથે આવી કોઈ સડક દુર્ઘટના બની છે કે કેમ? તો અમને 14 ઓક્ટોબર, 2020 ના રોજ ટાઇમ્સ નાઉ ન્યૂઝ દ્વારા પ્રકાશિત એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જે મુજબ નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા સંજય શિંદેની કારમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતાં તે કારમાં જીવતા જ સળગી ગયા હતા. મુંબઈ-આગરા હાઈવે પર પિપલગાંવ બસવંત ટોલ પ્લાઝાની નજીકતેમની ગાડીમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. તેઓએ ઘણા બધા પ્રયાસ કરવા છતાં ગાડીમાંથી બહાર નીકળી શક્યા નહતા.

વધુમાં અમને સંજય શિંદેની કારમાં લાગેલી આગના વીડિયો પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

નીચે તમે સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો અને એનસીપી નેતા સંજય શિંદે સાથે બનેલી દુર્ઘટનાના ફોટો વચ્ચેની સરખામણી જોઈ શકો છો.

image1.png

હવે એ પણ જાણવું જરૂરી હતું કે, એનસીપી નેતા સંજય શિંદે અને પાલઘર મોબ લિંચિંગ વચ્ચે શું સંબંધ છે?

ગુગલ પર જુદા-જુદા કીવર્ડતી સર્ચ કરતાં અમને એનસીપી નેતા સંજય શિદે પાલઘર મોબ લિંચિંગ કેસના મુખ્ય આરોપી હોય એવા પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. સંજય શિંદે મહારાષ્ટ્રના સાકોરના રહેવાસી હતા. જે પાલઘરતી 200 કિલોમીટર દૂર છે.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે 22 એપ્રિલ, 2020 ના રોજ પાલઘર કેસમાં અટકાયત કરાયેલા 101 લોકોની યાદીને ટ્વિટ કરી હતી. આ યાદીમાં એનસીપી નેતા સંજય શિંદેનું નામ ક્યાંય પણ જોવા મળતું નથી.

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે પાલઘરમાં એસ.આઈ. પાટીલ સાથે પાલઘર મોબ લિંચિંગ અને સંજય શિંદે વચ્ચેના સંબંધ વિશે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ ઘટનાને કારણે 100 લોકો પર કેસ કરવામાં આવ્યો હતો, જેની ચાર્જશીટ પણ બનાવવામાં આવી છે. . આ ઘટના ખરેખર મોબ લિંચિંગની હતી, જો કે ગામમાં કેટલીક ગેરસમજને કારણે ગ્રામજનો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું. આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે કોઈ પણ વ્યક્તિનું નામ લેવામાં આવ્યું નથી અને આ ઘટનાથી સંબંધિત કોઈ પણ વ્યક્તિનું રાજકીય જોડાણ મળ્યું નથી. વળી, આ સમગ્ર મામલામાં એનસીપી નેતા સંજય શિંદેનું નામ ક્યાંય આવ્યું નથી. સોશિયલ મીડિયા પર પાલઘર મોબ લિંચિંગ કેસને સંજય શિંદે સાથે જોડીને લોકોમાં ગેરસમજ ઉભી કરવામાં આવી રહી છે જે તદ્દન ખોટી છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પાલઘર લિંચિગ કેસ અને NCP ના નેતા સંજય શિંદે વચ્ચે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:પાલઘર લિંચિંગ કેસમાં NCP નેતા સંજય શિંદે મુખ્ય આરોપી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False