
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ અંગેની નો એક માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ ગુમ થઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ NCRB ના રિપોર્ટ મુજબ ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થઈ એ માહિતી સાચી છે પરંતુ સામે 39497 (94.90%) મહિલાઓ પરત મળી આવી છે અને તેમના પરીવાર સાથે છે. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા અધૂરી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gauri Malav Desai નામના ફેસબુક યુઝર દ્વારા 8 મે, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘બેટી બચાઓ બેટી પઢાવો’ અને ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે એવા પોકળ દાવા કરતી ભાજપની વાસ્તવિકતા છતી થઈ છે. ગુજરાતની ભાજપ સરકારમાં અધધધ 41 હજાર દીકરીઓ ગુમ થઈ એ આંકડો આપણા સૌ માટે ચિંતાનો વિષય છે, કારણકે આ આંકડો વધી પણ શકે છે. તમે વિચારો કે.. 5 વર્ષમાં 41,000 દીકરીઓ ગુમ થતી હોય તો ભાજપના 27 વર્ષના શાસનમાં કેટલી થઈ હશે?
27 વર્ષમાં 2,21,400 ? એટલે કે
2 લાખ 21 હજાર 400 મહિલાઓ ગુમ થઈ ? અમદાવાદ ને જોઈને એવું ન વિચારાય કે સુરત, મહેસાણા, સાબરકાંઠા,બનાસકાંઠા કે ભાવનગર, કચ્છ, દાહોદ, ડાંગ, આણંદ, તાપી, વડોદરા સુરક્ષિત છે. ગુજરાતની આ સ્ટોરી ડરામણી છે. જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ ગુમ થઈ છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ગુજરાત પોલીસ દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલી આજ માહિતી અંગેની એક ટ્વિટ 8 મે, 2023 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, હાલમાં અમુક સમાચાર માધ્યમોમાં Nation Crime Record Bureau (NCRB)ના આંકડાના હવાલાથી “ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ૪૧ હજાર મહિલાઓ ગુમ થઇ” હોવાના સમાચાર પ્રકાશિત થયેલ છે. આ માહિતી અધૂરી અને માટે ગેરમાર્ગે દોરનારી છે. વર્ષ ૨૦૧૬-૨૦૨૦માં ગુજરાતમાંથી ૪૧૬૨૧ મહિલાઓ ગુમ થયેલ હતી.
વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, પરંતુ આ પૈકી ૩૯૪૯૭ મહિલાઓને (૯૪.૯૦%) પરત મળી આવેલ છે અને તેમના પરીવાર સાથે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેની ખરાઇ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે. આમ જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશીત થયેલ છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છે.
અમારી વધુ તપાસમાં અમને ઝી 24 કલાક દ્વારા પણ આ માહિતી અંગેનું સત્ય દર્શવતો એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
ગુજરાત પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, ઉપરોક્ત તમામ માહિતી તમે NCRB ની સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને ગુજરાત પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલો એક પરિપત્ર પ્રાપ્ત થયો હતો. જેમાં ઈન્ડિયન એક્સપ્રેસ વર્તમાનપત્રમાં ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓની માહિતી અંગેનો જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. જે અનુસાર ગુજરાતમાં વર્ષ 2016 થી 2020 દરમિયાન કુલ 41621 મહિલાઓ ગુમ થઈ હતી અને આ પાંચ વર્ષ દરમિયાન 39497 મહિલાઓ પરત તેમના પરિવારને મળી ગઈ છે.


આ માહિતી અંગે ટીવી9 ગુજરાતી દ્વારા ગુજરાતના ADGP નરસિમ્હા કુમારનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો તો તેમણે પણ આ માહિતી અધૂરી હોવાનું જણાવીને વાયરલ દાવાનું ખંડન કર્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ NCRB ના રિપોર્ટ મુજબ ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થઈ એ માહિતી સાચી છે પરંતુ સામે 39497 (94.90%) મહિલાઓ પરત મળી આવી છે અને તેમના પરીવાર સાથે છે. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા અધૂરી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

Title:જાણો ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં ગુમ થયેલી 41 હજાર મહિલાઓની વાયરલ માહિતીનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context
