
ગત તારીખ 20 માર્ચના “ફ્રોડ હાર્દિક પટેલ” નામના પેજ દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં હાર્દિક પટેલ ભાષણ આપી રહ્યો હોય અને તેની પાછળની દિવાલ પર રાજીવ ગાંઘી અને રાહુલ ગાંધીનો ફોટો લગાડ્યો હોવાનું પોસ્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. અને દાવો કરવામાં આવ્યો હતો કે, હાર્દિક પટેલ દ્વારા સરદાર પટેલના ફોટા હટાવી દેવામાં આવ્યા છે. આ પોસ્ટ પર 257 લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને 43 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા. જયારે 1331 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી….
આ પોસ્ટની પડતાલ કરવી જરૂરી જણાતા અમે અમારી તપાસ કાર્યવાહી શરૂ કરી હતી અને સૌ પ્રથમ અમે હાર્દિક પટેલના ઓફિશિયલ પેજ પર આ પ્રકારે કોઈ વીડિયો અથવા પોસ્ટ શેર કરવામાં આવી છે કે કેમ તે તપાસ કરી હતી પરંતુ અમને આ પ્રકારની કોઈ પોસ્ટ હાર્દિક પટેલના પેજ પર જોવા મળી ન હતી, પરંતુ ઉપરોક્ત પોસ્ટમાં હાર્દિક પટેલ જે શર્ટ પહેરીને ભાષણ કરી રહ્યો છે, તે જ શર્ટ પહેરીને હાર્દિક પટેલે 15 માર્ચે એક પોસ્ટ શેર કરી હતી. પરંતુ ઉપરોક્ત પોસ્ટમાં જે બેક ગ્રાઉન્ડ દર્શાવવામાં આવ્યું છે, તે બેક ગ્રાઉન્ડ હાર્દિકની ઓફિસમાં જોવા મળ્યુ ન હતું…

હાર્દિક પટેલ દ્રારા 15 માર્ચે શેર કરવામાં આવેલો વિડિયો જોવા માટે નીચેની લીંક પર કલીક કરો
VIDEO ORIGINAL LINK | ARCHIVE LINK
પરંતુ આ પોસ્ટની પડતાલ કરવી હજુ પણ જરૂરી જણાતા અમે હાર્દિક પટેલ જોડે વાત કરી હતી અને ઉપરોક્ત પોસ્ટ અંગે તેમની જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “મેં કયારેય પણ આ પ્રકારની કોઈ ઓફિસમાંથી પ્રતિક્રિયા આપી નથી, મારી ઓફિસમાંથી સરદાર સાહેબનો ફોટો મેં હટાવી દીધાની વાત તદ્દન ખોટી છે, વિરોધીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રકારે ખોટી પોસ્ટ વાઈરલ કરવામાં આવી રહી છે.”

જો હાર્દિક પટેલ દ્વારા આ પ્રકારે કોઈ ઓફિસમાંથી ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું નથી તો ઉપરોક્ત પોસ્ટ ફોટોશોપની મદદથી એડિટ કરી મૂકવામાં આવી છે કે કેમ તે અંગે અમે ગ્રાફિક ડિઝાઈનના નિષ્ણાતની મદદ લીધી હતી અને ઉપરોક્ત પોસ્ટ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ પોસ્ટમાં એડિટીંગ કરવામાં આવ્યું હોવાની પૂરી સંભાવના છે.

આ અંગે અમે વધુ માહિતી મેળવવા હાર્દિક પટેલના સમર્થકો સાથે વાત કરવાનું નક્કી કર્યુ હતું, તેઓ સાથે વાત કરતા તેમણે અમને જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે તેમની ઓફિસમાંથી સરદાર પટેલની ફોટો હટાવી હોવાની વાત સદંતર ખોટી છે, હાર્દિક પટેલ તો સરદાર સાહેબને અનુસરવાવાળા છે, હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી જોઈન કરતા વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે અને તેમના દ્વારા આ પ્રકારની ભ્રામક પોસ્ટ ફેલાવવામાં આવે છે.

પરિણામ
અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, હાર્દિક પટેલની ઓફિસમાં કયાંય રાહુલ ગાંધી અને રાજીવ ગાંઘીની છબી છે જ નહીં, તેમજ સરદાર સાહેબના ફોટોને હાર્દિક પટેલ દ્વારા હટાવવાની વાત ખોટી સાબિત થાય છે. ફોટોશોપના માધ્યમથી એડિટ કરી આ પોસ્ટ ફેલાવવામાં આવી હોવાની પૂરેપૂરી શક્યતા છે.
છબીઓ : ગૂગલના માધ્યમથી

Title:હાર્દિકે પટેલે પોતાની ઓફિસમાંથી સરદાર પટેલના ફોટો હટાવી દિધા..? જાણો શું છે સત્ય…..
Fact Check By: Frany KariaResult: False
