
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જોશોદાબેનના નામે સમાચારના સ્ક્રીનશોટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન કોંગ્રેસમાં જોડાયા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન કોંગ્રેસમાં જોડાયા હોવાના નામે સમાચારના સ્ક્રીનશોટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. જશોદાબેન દ્વારા જ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 29 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન કોંગ્રેસમાં જોડાયા છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ક્યાંય પણ જશોદાબેન કોંગ્રેસમાં જોડાયા હોવાની માહિતી આજ તક કે અન્ય કોઈ સમાચારમાં પ્રાપ્ત થઈ ન હતી.
ત્યાર બાદ અમે આજ તક અને વાયરલ ફોટોની સરખામણી કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આજ તક દ્વારા પ્રસારિત સમાચારમાં પૂર્ણવિરામ નથી મૂકવામાં આવ્યું જ્યારે વાયરલ ફોટોમાં પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે જેના પરથી એ સાબિત થાય છે કે, આ ફોટો એડિટ કરવામાં આવ્યો છે.

આ સિવાય, અમને 2017ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (આર્કાઈવ)ના સમાચાર મળ્યા. જે મુજબ કોંગ્રેસ પક્ષ ઇચ્છતો હતો કે, જશોદાબેન ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડે. પરંતુ તેમણે ના પાડી દીધી હતી. તેમણે પીએમના નોટબંધીના પગલાંને પણ સમર્થન આપ્યું હતું.

આ વાયરલ પોસ્ટની સત્યતા 2023 માં ફેક્ટ ક્રેસેન્ડો દ્વારા પણ તપાસવામાં આવી હતી. જેમાં દાવો નકલી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ તાજેતરની ચૂંટણીની સ્થિતિ જાણવા અમે જશોદાબેનના ભાઈ અશોક મોદીનો સંપર્ક કર્યો. તેમણે અમને સ્પષ્ટતા કરી હતી કે, “જશોદાબેન કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા નથી. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. તેઓ અત્યારે કોઈ રાજકીય પક્ષમાં જોડાવાનું વિચારતા નથી. દર વર્ષે આ દાવા સાથે આ સમાચાર શેર કરવામાં આવી રહ્યા છે. જશોદાબેન કોઈપણ પાર્ટીમાં હાજરી આપશે તો તેના સમાચાર આપવામાં આવશે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન કોંગ્રેસમાં જોડાયા હોવાના નામે સમાચારના સ્ક્રીનશોટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. જશોદાબેન દ્વારા જ આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન કોંગ્રેસમાં જોડાયા હોવાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
