શું ખરેખર ઉત્તરાંચલ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં તમામ વિદ્યાર્થીઓને ભગવા વસ્ત્રોમાં ડિગ્રી આપવામાં આવી...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરાંચલ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં તમામ વિદ્યાર્થીઓને ભગવા વસ્ત્રોમાં ડિગ્રી આપવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ઉત્તરાંચલ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગના વિદ્યાર્થીઓએ જુદા જુદા રંગના વસ્ત્રો પહેરીને દિક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. તમામ વિદ્યાર્થીઓએ ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હોવાની ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hitesh Patel Nagla નામના ફેસબુક યુઝર દ્વારા 18 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, એક નવા ભારતનો ઉદય થઈ રહ્યો છે... "ઉત્તરાંચલ યુનિવર્સિટીમાં" અંગ્રેજોના જમાનાની ચાલી આવતી પરંપરા યુનિવર્સિટી એ બદલીને દિક્ષાંત સમારોહમાં આ વર્ષે કાળો કોટ અને કાળા ટોપાની જગ્યાએ તમામ વિદ્યાર્થીઓ ને #ભગવો_દુપપ્ટો પહેરાવીને ડિગ્રીઓ આપી... જય સનાતન ધર્મ. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરાંચલ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં તમામ વિદ્યાર્થીઓને ભગવા વસ્ત્રોમાં ડિગ્રી આપવામાં આવી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ઉત્તરાંચલ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ uttaranchaluniversity.ac.in પર યુનિવર્સિટીમાં યોજાયેલા દિક્ષાંત સમારોહના અન્ય ફોટો પ્રાપ્ત થયા હતા. જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, વિદ્યાર્થીઓએ ફક્ત ભગવા રંગના વસ્ત્રો નથી પહેર્યા પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ આસમાની તેમજ મરુન રંગના વસ્ત્રો પણ પહેર્યા છે.
ઉત્તરાંચલ યુનિવર્સિટીના ગુગલ ડ્રાઈવ પેજ પર મૂકવામાં આવેલા ફોટોમાં તમે વિદ્યાર્થીઓએ અલગ-અલગ રંગના વસ્ત્રો પહેર્યા છે એના અન્ય ફોટો પણ જોઈ શકો છો.
29 ફેબ્રુઆરી, 2020 ના રોજ ઉત્તરાંચલ યુનિવર્સિટીના ટ્વિટર હેન્ડલ પર આ સમારોહના ફોટો મૂકવામાં આવ્યા હતા. કેટલાક અહેવાલોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ ઘટના ગત વર્ષની છે. ટ્વિટ મુજબ, ઉત્તરાંચલ યુનિવર્સિટીમાં પ્રથમ દિક્ષાંત સમારોહના ભવ્ય કાર્યક્રમમાં 59 ગોલ્ડ મેડલ, 16 ડોક્ટરેટ (પીએચડી) અને 2668 વિદ્યાર્થીઓએ ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ઉત્તરાંચલ યુનિવર્સિટીનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “યુનિવર્સિટીનો દિક્ષાંત સમારોહ ગયા વર્ષે યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાં જુદા-જુદા વિભાગના વિદ્યાર્થીઓએ જુદા-જુદા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તમામ વિદ્યાર્થીઓએ ભગવા વસ્ત્રો પહેર્યા હોવાની માહિતી તદ્દન ખોટી છે.”
વધુમાં અમને UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) નો એક પત્ર પ્રાપ્ત થયો હતો. જુલાઈ 2015 માં, યુજીસીના સચિવ ડૉ. જસપાલ એસ સંધુએ તમામ યુનિવર્સિટીઓને પત્ર લખીને એવું જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં યોજાનાર સંમેલનો જેવા સમારોહ માટે હાથવણાટના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો. પત્રમાં જણાવાયું છે કે, હેન્ડલૂમ્સ ફક્ત સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસનો જ એક અવિભાજ્ય ભાગ નથી, પરંતુ તે લાખો ગ્રામીણ લોકોને આજીવિકા પણ પૂરી પાડે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ઉત્તરાંચલ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગના વિદ્યાર્થીઓએ જુદા જુદા રંગના વસ્ત્રો પહેરીને દિક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. તમામ વિદ્યાર્થીઓએ ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હોવાની ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
Title:શું ખરેખર ઉત્તરાંચલ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં તમામ વિદ્યાર્થીઓને ભગવા વસ્ત્રોમાં ડિગ્રી આપવામાં આવી...?
Fact Check By: Vikas VyasResult: False