
તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે તેની સાથે એક માહિતી એવી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હી પોલીસના 200 પોલીસકર્મીઓએ બળવો કરીને ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું સરકાર દ્વારા જ ખંડન કરવામાં આવ્યું હતું.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
અમરેલી નો ખુંખાર ખેડૂત નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હી પોલીસના 200 પોલીસકર્મીઓએ બળવો કરીને ખેડૂતોના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણને ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને દિલ્હી પોલીસના 200 કર્મચારીઓએ બળવો કરીને રાજીનામુ આપ્યું હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
અમારી વધુ તપાસમાં અમને PIB Fact Check દ્વારા 30 જાન્યુઆરી, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં સરકાર દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે, ખેડૂતોના સમર્થન માટે દિલ્હી પોલીસના 200 કર્મચારીઓએ બળવો કરીને સામૂહિક રાજીનામું આપ્યું હોવાની માહિતી તદ્દન ખોટી છે.
આજ માહિતીની સત્યતા અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ ચકાસવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. zeenews.india.com | indiatv.in | ibc24.in | newsnationtv.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દિલ્હી પોલીસના 200 પોલીસકર્મીઓએ બળવો કરીને ખેડૂતોના સમર્થનમાં સામૂહિક રાજીનામું આપ્યું હોવાની માહિતીને સરકાર દ્વારા ખોટી ગણાવવામાં આવી છે.