
હાલમાં સંદેશ ન્યુઝ ચેનલની એક ન્યુઝ પ્લેટ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં બીગ બ્રેકિંગ હેઠળ એક માહિતી શેર કરવામાં આવી હતી. આ ન્યુઝ પ્લેટને શેર કરી અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની આગામી વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે તેવો નિર્ણય કર્યો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ન્યુઝ પ્લેટ એડિટેડ છે. કોંગ્રેસ દ્વારા આ પ્રકારે કોઈ એલાન કરવામાં આવ્યુ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
લંકેશ રાવણ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની આગામી વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે તેવો નિર્ણય કર્યો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને કોઈ વિશેષ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ન્યુઝ ચેનલ ની પ્લેટને ધ્યાન જોતા તેમાં વિસંગતતા જોવા મળી હતી. કારણ કે, કોરોના બ્રેકિંગ હેઠળ રાજકારણના ન્યુઝ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરી અને સંદેશના ઓફિશિયલ ફેસબુક પેજ પરથી ઓરિજિનલ ન્યુઝ પ્લેટ શોધી કાઢી હતી. તેમજ ઓરિજનલ ન્યુઝ પ્લેટ અને પોસ્ટ સાથે વાયરલ ફેક ન્યુઝ પ્લેટની સરખામણી અમે કરી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે સંદેશ ન્યુઝ ચેનલના ઇન્પુટ વિભાગના વિજયકુમાર દેસાઈનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સંદેશ ન્યુઝ દ્વારા આ પ્રકારે કોઈ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા નથી. સંદેશ ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટમાં એડિટ કરી અને ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે.”
ત્યારબાદ અમે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડવાની જ છે. આ તદ્દન ખોટી વાત છે. 182 સીટો પર કોંગ્રેસ ચૂંટણી લડશે અને બહુમતી સાથે સરકાર બનાવશે. અમારા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ન્યુઝ પ્લેટ એડિટેડ છે. કોંગ્રેસ દ્વારા આ પ્રકારે કોઈ એલાન કરવામાં આવ્યુ નથી.

Title:શું ખરેખર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી નહિં લડે…?
Fact Check By: Yogesh KariaResult: False
