
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહેસુલી તલાટીની 4200 જગ્યાઓ પર ભરતી કરવા અંગેનો એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મહેસુલી તલાટીની 4200 જગ્યાઓ પર ભરતી કરવા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, મહેસુલી તલાટીની 4200 જગ્યા પર ભરતી કરવા અંગે કોઈ જ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
V.H. Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓગષ્ટ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા અહેવાલમાં એવું લખવામાં આવ્યું છે કે, * મહેસુલ તલાટી બ્રેકિંગ ન્યૂઝ* *ઓફિશિયલ પરિપત્ર* *મહેસુલ તલાટી વર્ગ -૩ ની ૪૨૦૦ જગ્યા પર નવી ભરતી જાહેર.* પરિપત્ર જોવા માટે https://marugujaratupdates.com/…/revenue-talati-is…/
________________________________ *● તમામ વિદ્યાર્થી મિત્રો સુધી મોકલવા ખાસ નમ્ર વિનંતી* . જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મહેસુલી તલાટીની 4200 જગ્યાઓ પર ભરતી કરવા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી સાચી હોવાનું જાણવા મળ્યું નહતું.
ત્યાર બાદ અમે મહેસુલ વિભાગની સત્તાવાર વેબસાઈટ revenuedepartment.gujarat.gov.in પર સર્ચ કરતાં અમને ત્યાં પણ આ પ્રકારની ભરતી અંગે કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
અમારી વધુ તપાસમાં અમને સંદેશ સમાચાર ચેનલ દ્વારા પ્ર,રિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં મહેસુલી તલાટીની 4200 જગ્યાઓ પર ભરતી અંગેનો નકલી પરિપત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવા અંગેની માહિતી આપવામાં આવી હતી.
આજ માહિતી અન્ય મીડિયા દ્વારા પણ ખોટી ઠેરવવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. gk guru
અમારી વધુ તપાસમાં અમને gstv.in દ્વારા પણ 25 ઓગષ્ટ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ મહેસુલી તલાટીની 4200 જગ્યાઓ પર ભરતી અંગેના પરિપત્રને નકલી ગણાવવામાં આવ્યો છે. વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, આ પરિપત્રના અંતમાં મહેસુલ વિભાગના ઉપસચિવ તરીકે ડી.કે.મેણાતની સહી કરેલી છે પરંતુ આ નામના કોઈ જ ઉપસચિવ હાલમાં મહેસુલ વિભાગમાં કાર્યરત નથી.
વધુમાં અમને એક જાણીતા પત્રકાર વિવેક ઓઝા દ્વારા પણ તેમના ટ્વિટર પર 25 ઓગષ્ટ, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ પરિપત્ર ખોટો હોવાનું જણાવવામાં આવ્યું છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, મહેસુલી તલાટીની 4200 જગ્યા પર ભરતી કરવા અંગે કોઈ જ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી.

Title:શું ખરેખર સરકાર દ્વારા મહેસુલી તલાટીની 4200 જગ્યાઓની ભરતી કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો….?
Fact Check By: Vikas VyasResult: False
