શું હવે 45 ટકા લાવનારને પણ મળશે સ્કોલરશિપ…? જાણો સત્ય

Education False

Bipin Relia નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં એવું લખેલું છે કે, ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જેનું નામ છે અબ્દુલ કલામ અને વાજપેયી યોજના. 45% થી વધારે હોય તો 10,000/- અને 55% થી વધારે હોય તો 25,000/- સુધીની સ્કોલરશિપ મળશે. આધાર કાર્ડ અને SBI Bank માં અકાઉન્ટ હોવું જરૂરી છે. જેના ફોર્મ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળશે. વધારે માહિતી માટે http://www.desw.gov.in/scholarship લોગ ઓન. તમે પણ આ મેસેજ ફોરવર્ડ કરો. કોઈને કામ લાગશે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 94 લોકોએ લાઈક કરી હતી, 6 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 186 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Archive | Photo Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઉપરની પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં આપવામાં આવેલી લિંક http://www.desw.gov.in/scholarship પર ક્લિક કરી તો તેમાં પૂર્વ કર્મચારીઓના કલ્યાણ વિભાગની વેબસાઈટ ખૂલી. જેમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ જ માહિતી આપવામાં આવી નથી. જે તમે નીચે જોઈ શકો છો.

Ministry Of Defence | Archive

ત્યાર બાદ આ પોસ્ટની વધુ તપાસ માટે અમે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યું હતું કે, “આ પ્રકારની કોઈ પણ શિષ્યવૃત્તિ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી નથી. તેમજ કેન્દ્ર સરકારમાં પણ આ પ્રકારે કોઈ શિષ્યવૃત્તિ મળતી હોય એવું મારા ધ્યાનમાં નથી.”

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા અમે આ બાબતે શિક્ષણ વિભાગના નાયબ નિયામક દર્શનાબેન જોશી સાથે વાત કરી હતી. તો તેમણે અમને એવું જણાવ્યું હતું કે, “ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી આ પ્રકારની કોઈ પણ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને આપવામાં આવતી નથી. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ થઈ રહી છે.”

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, ધોરણ 10 કે 12 માં 45% કે 55% લાવનાર વિદ્યાર્થીઓ માટે 10,000 કે 25,000 રૂપિયાની શિષ્યવૃત્તિની કોઈ જ યોજના નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું હવે 45 ટકા લાવનારને પણ મળશે સ્કોલરશિપ…? જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas 

Result: False