શું ખરેખર અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની સુરત બદલી કરવામાં આવી...? જાણો શું છે સત્ય...
Bharat Vaghani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમરેલી SP નિર્લિપ્ત રાયની ૭ દિવસ માટે સુરતમાં બદલી આપવામાં અમરેલી એસપી નિર્લિપ્ત રાય સાહેબ સુરત જિલ્લાની કમાન સોંપવામાં આવી છે જેમના નેતૃત્વમાં અમરેલી જિલ્લાને બે મહિના સુધી કોરોના મુક્ત રાખવામાં સૌથી મોટુ યોગદાન હોય તો એસપી નિર્લિપ્ત રાય સાહેબનું છે સાવજ ને એક સલામ એટલે આવતા ૭ દિવસ સુરત માં ચુસ્ત પણે લૉકડાઉન નું પાલન કરવા વિનંતી....” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 85 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 21 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની સુરત શહેરમાં બદલી કરવામાં આવી.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કોઈ આઈપીએસ અધિકારીની બદલી કરવામાં આવી હોય તો સ્થાનિક મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય. તેથી અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરી હતી.
દરમિયાન અમને ગુજરાતના જાણીતા સમાચાર પત્ર ગુજરાત સમાચારની વેબસાઈટ પર પ્રસારિત 6 જૂલાઈ 2010ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાતના આઈપીએસ અધિકારીઓને બઢતી આપી તેમના હોદ્દા પર કાર્યરત રાખવામાં આવ્યા છે. જેમાં નિર્લિપ્ત રાય સહિત 8 આઈપીએસને જુનિયર એડમિનિસ્ટ્રટિવ ગ્રેડ આપવામાં આવ્યો હતો.” જો કે, નિર્લિપ્ત રાયની બદલી સુરતમાં કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યુ ન હતુ.
ત્યારબાદ અમારી પડતાલને મજબૂત કરવા અમે ગુજરાત રાજ્યના ગૃહવિભાગનો સંપર્ક સાધ્યો હતો. ગૃહ વિભાગના કન્સલ્ટ સચિવ અમિત ઉપાધ્યાયને આ અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ બદલીના આદેશ આપવામાં આવ્યા નથી, આ એક અફવા છે. કોઈએ અફવા પર ધ્યાન આપવુ નહિં”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, નિર્લિપ્ત રાયની બદલી સુરતમાં કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં તે અમરેલીના જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Title:શું ખરેખર અમરેલીના એસપી નિર્લિપ્ત રાયની સુરત બદલી કરવામાં આવી...? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False