શું ખરેખર પાટણની સભામાં વડાપ્રધાન બોલ્યા અપશબ્દ…? જાણો શું છે સત્ય…

રાજકીય I Political
Ahir Shyam નામના એક ફેસબુક યુઝર દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, લ્યો કાલ ની ખારેક ટીમ પછી આજે ગુજરાત માં દેશ ના વડાપ્રધાન નું જાહેર સભામાં bc bc ?? ગાળો બોલતો વડાપ્રધાન જોયો ક્યારેય ?. આ પોસ્ટને લગભગ 74 જેટલા લોકોએ લાઈક કરી હતી. 112 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 18 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Facebook | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદી પર પાટણની સભામાં ગાળ બોલ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે તો આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે યુટ્યુબનો સહારો લીધો અને Pm Modi Rally at Patan સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને સૌથી ઉપર ધ ક્વિન્ટ દ્વારા પ્રધાનમંત્રી મોદીની પાટણ ખાતેની 21 એપ્રિલ 2019ની રેલીનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું એ અમને પ્રાપ્ત થયું. પાટણ ખાતે પ્રધાનમંત્રીએ કરેલું સંપૂર્ણ ભાષણ તમે નીચે જોઈ શકો છો.

ઉપરની અમારી તપાસમાં અમે આ સંપૂર્ણ ભાષણને ધ્યાનથી સાંભળ્યું પણ અમને 47.26 મિનિટના પ્રધાનમંત્રીના ભાષણમાં ક્યાંય પણ તેઓ ગાળ બોલ્યા હોય એવું સાંભળવા મળ્યું નહી. પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે એ શોધવાની અમે કોશિશ કરી તો અમને 43.20 થી 43.28 વચ્ચે પ્રધાનમંત્રી ખરેખર શું બોલ્યા છે એ જાણવા મળ્યું. મોદી એવું બોલ્યા છે કે, લોકો એમ કહે છે કે, ભવિષ્યમાં લડાઈઓ પાણીની થવાની છે, અલ્યા ભાઈ બધા કો છો કે પાણીની લડાઈ થવાની છે તો પછી અમે અત્યારથી પાણી પહેલાં પાળ કેમ ન બાંધીએ… જે તમે વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકો છો.

આમ પોસ્ટમાં મોદી પાટણ ખાતેની સભામાં ગાળ બોલ્યા એ દાવાની વધુ તપાસ માટે અમે વીડિયો એડિટીંગના નિષ્ણાત જોડે વાત કરી તો તેણે  વીડિયો સાંભળીને એવું કહ્યું કે, આ વીડિયોમાં એડિટીંગ કરવામાં આવ્યું છે. મોદી ક્યાંય પણ ગાળ બોલ્યા નથી પણ બે શબ્દોને થોડી સ્પીડ સાથે એડિટ કરીને એને ગાળ જેવું સંભળાય એવું બનાવી લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી છે.

ઉપરોક્ત દાવા પ્રમાણે મોદી હકીકતમાં શું બોલ્યા છે તે અને પોસ્ટમાં શું દાવો કરવામાં આવ્યો છે? એ તમે નીચેના વીડિયોના તફાવતમાં જોઈ શકો છો.

Archive

આ પોસ્ટની વધુ તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે, ધ ક્વિન્ટ વેબસાઈટ દ્વારા પણ આ વીડિયો અંગે ખુલાસો કરવામાં આવ્યો છે કે, “અમારી જ ફ્રેમને કોપી કરીને આ વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. અમે આ પ્રકારે કોઈ જ વીડિયો પ્રસારિત કર્યો નથી”. આ અંગેની સંપૂર્ણ માહિતી તમે નીચે જોઈ શકો છો.

The Quint | Archive

આ ઉપરાંત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા પણ પ્રધાનમંત્રી મોદી દ્વારા અપશબ્દો બોલવા અંગે ટ્વિટ કરવામાં આવી હતી. જે સંપૂર્ણ ખોટી અને પાયાવિહોણી સાબિત થાય છે. તમે નીચે અર્જુન મોઢવાડિયા દ્વારા કરાયેલી ટ્વિટ જોઈ શકો છો.

Archive

પરિણામ:

આમ, અમારા તમામ સંશોધન બાદ અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, ઉપરોક્ત પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદી પાટણ ખાતેની સભામાં અપશબ્દ બોલ્યા એ દાવો પણ સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પાટણની સભામાં વડાપ્રધાન બોલ્યા અપશબ્દ…? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False