શું ખરેખર 104 પર કોલ કરવાથી મળશે લોહીની સુવિધા…? જાણો સત્ય

False તબીબી I Medical

SmartTech It Solutions નામના એક ફેસબુક પેજ દ્વારા 27 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર દ્વાર 104 ‘બ્લડ ઓન કોલ’ નામની એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. જેના થકી આ નંબર પર કોલ કર્યા બાદલ 40 કિ.મી.ની ત્રિજ્યામાં 4 કલાકની અંદર રક્ત પહોંચાડવામાં આવશે. અને જેનો બોટલદીઠ ચાર્જ 45 રૂપિયા અને પરિવહન માટે 100 રૂપિયા અલગથી આપવાના રહેશે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 269 લોકોએ લાઈક કરી હતી, 13 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા તેમજ 3600 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Facebook | Archive | Photo Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને 104 સેવા સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને 104 હેલ્પલાઈન અંગે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ જેમાં અમને જાણવા મળ્યું કે, વર્ષ 2017 માં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા નાબૂદી અભિયાન હેઠળ 104 ની સેવા શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત તાવ, શરદી, ઝાડા, ઉલટીથી દર્દીની હાલત ગંભીર હોય ત્યારે 104 પર કોલ કરી તાત્કાલિક મેડિકલ સેવાનો લાભ મેળવી શકાશે. જેમાં આરોગ્ય વિભાગની ટીમ તમારા ઘરે પહોંચીને બ્લડ સ્લાઈડ દ્વારા મેલેરિયા સહિતની ચકાસણી કરવામાં આવશે અને જરૂરી દવાઓ પણ આપવામાં આવે છે. આ અંગેની કેટલીક માહિતી તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

Divyabhaskar | Archive

IAmGujarat | Archive

ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 104 પર કોલ કરવાથી લોહીની બોટલ પ્રાપ્ત થાય છે એ અંગેની કોઈ જ માહિતી મળી ન હતી. ત્યાર બાદ અમે 104 મેડિકલ હેલ્પલાઈન પર કોલ કરીને ફરજ પરના અધિકારી સાથે વાત કરી હતી. તો તેમણે અમને જણાવ્યું હતું કે, 104 ની સેવા હાલમાં કાર્યરત તો છે પણ તેના પરથી તમને તાવ, શરદી, ઝાડા કે ઉલટી સમયની ગંભીર હાલતમાં જ આ સેવાનો લાભ મળે છે. હજુ સુધી લોહીના પરિવહન માટે આ પ્રકારે કોઈ જ સેવા આજ દિન એટલે કે 8 મે, 2019ની સ્થિતિ સુધી ચાલુ નથી અને હજુ આ સેવા ચાલુ કરવા અંગે સરકારમાં વિચારણા ચાલી રહી છે પરંતુ હજુ સુધી અમને સરકાર તરફથી આ અંગે કોઈ પરિપત્ર પ્રાપ્ત થયો નથી.

(ફાઈલ ફોટો)

અમે અમારી તપાસને આગળ વધારતા શું ખરેખર સરકાર દ્વારા આવી કોઈ સેવા ચાલુ કરવામાં આવી છે કે કેમ? તેની જાણકારી માટે રાજ્યના આરોગ્યમંત્રી કિશોર કાનાણી સાથે પણ આ અંગે વાત કરી હતી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, આ પ્રકારે સરકાર દ્વારા હજુ સુધી કોઈ જ સેવા ચાલુ કરવામાં આવી નથી.

પરિણામ

આમ, અમારી તપાસમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, સરકાર દ્વારા લોહીના પરિવહન માટે હજુ સુધી આ પ્રકારની કોઈ જ સેવા ચાલુ કરવામાં આવી નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર 104 પર કોલ કરવાથી મળશે લોહીની સુવિધા…? જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas 

Result: False