શું ખરેખર દિલ્હી પોલીસ દ્વારા અમિત શાહના કાફલા માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવી…? જાણો શું છે સત્ય....
Chirag Patel નામના ફેસબુક યુઝર દ્વારા 16 સપ્ટેમ્બર,2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગ્રુહમંત્રી અમિત શાહનો કાફલો નિકળવાનો હોવાથી દિલ્હી પોલીસે એક એમ્બ્યુલન્સને રસ્તો ન આપ્યો અને બાળકીનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નિપજ્યુ. કાફલો પણ અમિત શાહનો તો પોલીસ માનવતા જોવે કે મંદીમાં લાંચ દઇને મેળવેલી નોકરી ? #VIP_કલચરે_બાળકીને_ખતમ_કરી_નાખી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહનો કાફલો નીકળતો હોવાથી દિલ્હી પોલીસ દ્વારા એક એમ્બ્યુલન્સનો રસ્તો રોકવામાં આવ્યો અને એમ્બ્યુલન્સમાં રહેલી બાળકનું મૃત્યુ થઈ ગયું. આ પોસ્ટને 211 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 17 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 118 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહના કાફલાને જવા માટે દિલ્હીમાં પોલીસ દ્વારા એમ્બ્યુલન્સને રોકવામાં આવી હોય અને એમ્બ્યુલન્સમાં રહેલી બાળકીનું મોત થયું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા એને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય. એટલા માટે સૌપ્રથમ અમે વીડિયોના એક સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને 5 એપ્રિલ, 2017 ના રોજ NDTV દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે, આ એમબ્યુલન્સને એટલા માટે રોકવામાં આવી હતી કે, મલેશિયાના પ્રધાન મંત્રી નિજબ રજાક તે રસ્તેથી નીકળવાના હતા. વધુમાં સમાચારમાં એ પણ લખવામાં આવ્યું હતું કે, આ વીડિયોને લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે ફેસબુક પર આ વીડિયોના લાઈવ સ્ટ્રીમને અમે અલગ-અલગ કી વર્ડસના માધ્યમથી શોધવાનો પ્રયત્ન કર્યો હતો. આ વીડિયોને 1 એપ્રિલ, 2017 ના રોજ પ્રિત નરૂલા દ્વારા લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો અને વીડિયોમાં પોલીસે બેરિકેડમાંથી એમબ્યુન્સને જવા દીધી ન હતી. આ વીડિયો પરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, આ ઘટના 1 એપ્રિલ, 2017 ના રોજ બની હતી. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમે આ સમાચારને ગુગલ સર્ચ કરતા અમને 5 એપ્રિલ, 2017 ના રોજ ધ હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ઘટના ઈંદિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ પાસે બની હતી. જેને કારણે માર્ગ અવરોધાઈ ગયો હતો કારણ કે, મલેશિયાના પ્રમુખ તે રસ્તેથી નીકળવાના હતા. જે પણ તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં આ સમાચારને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
INDIAN EXPRESS | INDIA TIMES |
ARCHIVE | ARCHIVE |
ત્યાર બાદ સરકારી વેબસાઈટ પર શોધતાં અમને વિદેશ મંત્રાલય દ્વારા પ્રસારિત કરવામાં આવેલી પ્રેસ રિલિઝ મળી હતી. પ્રેસ રિલિઝમાં લખવામાં આવ્યું હતું કે, “મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ દત્તો શ્રી મોહમ્મદ નજીબ તુન અબ્દુલ રજાક, 30 માર્ચ, 2017 થી 4 એપ્રિલ, 2017 વચ્ચે તેમની પત્ની દતિન શ્રી રોસમાહ મંસૂર સાથે ભારત આવી રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દિલ્હીમાં પોલીસ દ્વારા અમિત શાહના કાફલા માટે નહીં પરંતુ મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ દત્તો શ્રી મોહમ્મદ નજીબ તુન અબ્દુલ રજાકના કાફલા માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દિલ્હીમાં પોલીસ દ્વારા અમિત શાહના કાફલા માટે નહીં પરંતુ મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ દત્તો શ્રી મોહમ્મદ નજીબ તુન અબ્દુલ રજાકના કાફલા માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવી હતી.
છબીઓ સૌજન્ય :ગુગલ
Title:શું ખરેખર દિલ્હી પોલીસ દ્વારા અમિત શાહના કાફલા માટે એમ્બ્યુલન્સને રોકવામાં આવી…? જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False