
તાજેતરમાં સોશિયલ મીડિયા પર આમીર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાનો પૂરજાશમાં વિરોધ તઈ રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે આમીર ખાનનો થિયેટરમાં બેઠેલો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમીર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના પ્રિમીયર શોમાં આમીર ખાન હાજર રહેવા છતાં થિયેટર ખાલી હતું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો આમીર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના પ્રિમીયર શોનો નહીં પરંતુ ચેન્નઈ ખાતે થયેલી એક પત્રકાર પરિષદનો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dushyant Pandya નામના ફેસબુક યુઝર દ્વારા 10 ઓગષ્ટ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લાલસિંહ ચઢ્ઢા ના પ્રીમિયર શો મા ખૂદ હાજર રહેવા છતા થીએટર મા કાગડા ઉડે છે.જય હો. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમીર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના પ્રિમીયર શોમાં આમીર ખાન હાજર રહેવા છતાં થિયેટર ખાલી હતું.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 7 ઓગષ્ટ, 2022 ના રોજ ટીમ આમીર ખાન નામના એક ફેસબુક પેજ પર જોવા મળ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, લાલાસિંહ ચઢ્ઢા ફિલ્મની ચેન્નઈ ખાતે થયેલી પત્રકાર પરિષદમાં નાગા ચૈતન્ય, ઉદયનિધિ સ્ટાલિન, મોનાસિંહ અને આમીર ખાન બેઠેલા જોઈ શકાય છે.

આ માહિતીને ધ્યાનમાં રાખીને અમે Google પર જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને G5 મીડિયા નામના ફેસબુક પેજ પર પોસ્ટ કરાયેલ એક વીડિયો મળ્યો જેમાં તમે આ તસવીર જોઈ શકો છો. તેમાં એવી જ માહિતી આપવામાં આવી છે કે, આ ફોટો એક પત્રકાર પરિષદનો છે.
અમારી વધુ તપાસમાં અમને સિનેમા એક્સપ્રેસ નામની વેબસાઈટ પર પ્રકાશિત એક ફોટો પ્રાપ્ત થયો હતો. તેમાં તમે જોઈ શકો છો કે, આમિર ખાન, મોના સિંહ અને અન્ય કલાકારોએ તે જ કપડાં પહેર્યા છે જે વાયરલ ફોટોમાં જોવા મળે છે.

તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, 7મી ઓગષ્ટે ચેન્નઈના સત્યમ થિયેટરમાં આમિર ખાનની લાલસિંહ ચઢ્ઢા ફિલ્મની તમિલ પ્રેસ મીટ યોજાઈ હતી. ફિલ્મના તમિલ વર્ઝનનું વિતરણ ઉદયનિધિ સ્ટાલિનની રેડ જાયન્ટ મૂવીઝ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમની સાથે આમિર ખાન અને ફિલ્મના અન્ય કલાકારો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
તેનો વીડિયો તમે આમિર ખાન પ્રોડક્શનના ટ્વિટર હેન્ડલ પર પણ જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો આમીર ખાનની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના પ્રિમીયર શોનો નહીં પરંતુ ચેન્નઈ ખાતે થયેલી એક પત્રકાર પરિષદનો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:લાલસિંહ ચઢ્ઢા ફિલ્મના પ્રિમીયર શો માં થિયેટર ખાલી રહેવા અંગેની માહિતી સાથેના આમીર ખાનના ફોટોનું જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Partly False
