વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એડિટ કરેલો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતા સમક્ષ એવું કહી રહ્યા છે કે, ‘જ્યારે હું નાની ચોરી કરતો હતો ત્યારે જો મારી માએ મને રોક્યો હોત તો હું આટલો મોટો લૂંટારુ ના બનતો’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હવે તો જાતે કબૂલ કરી લીધું. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતા સમક્ષ એવું કહી રહ્યા છે કે, ‘જ્યારે હું નાની ચોરી કરતો હતો ત્યારે જો મારી માએ મને રોક્યો હોત તો હું આટલો મોટો લૂંટારુ ના બનતો’.

Facebook Post | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Narendra Modi ના સત્તાવાર યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 10 એપ્રિલ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પશ્ચિમ બંગાળના સિલીગુડી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાને સંબોધન કરી રહ્યા છે તેનો આ વીડિયો છે. આ સંપૂર્ણ વીડિયોમાં તમે 39.39 મિનિટ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના ભાગને જોઈ શકો છો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાને પોતાના ભાષણમાં એક ટૂંકી વાર્તાનું દ્રષ્ટાંત આપી રહ્યા છે. જેમાં તેઓ એવું જણાવી રહ્યા છે કે, “અમે નાના હતા ત્યારે એક વાર્તા સાંભળી હતી. જેમાં એક ડાકુ હતો એ લોકોને લૂંટતો હતો તો તેને ફાંસીની સજા થઈ. જ્યારે તેને ફાંસીની સજા પહેલાં પૂછવામાં આવ્યું કે તારી અંતિમ ઈચ્છા શું છે. તો તેણે જણાવ્યું કે મારી અંતિમ ઈચ્છા મારી માને મળવાની છે. તો સરકારે તેની માને મળવાની વ્યવસ્થા કરી આપી. જ્યારે તે તેની માને મળ્યો ત્યારે તરત જ તેણે તેની માને જોરથી એક લાફો માર્યો અને એની માના નાક પર બચકુ ભરી દીધું. પછી તેને પૂછવામાં આવ્યું કે, તે તારી મા પર આ રીતે હુમલો કેમ કર્યો તો તેણે જવાબમાં કહ્યું કે, જ્યારે હું નાની ચોરીઓ કરતો હતો ત્યારે મારી માએ મને રોક્યો હોત તો હું આટલો મોટો લૂંટારો ના બનતો અને આજે ફાંસી પર ચડવાની પરિસ્થિતિ પણ ના ઉભી થતી.”

Archive

આજ વીડિયોને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. The Print | OTV 

નીચે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓરિજીનલ વીડિયો અને એડિટ કરેલા વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એડિટ કરેલો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context