શું સંગરૂરમાં પોલીસના લાઠીચાર્જમાં ખેડૂત નેતા પ્રિતમ સિંહનું મોત થયુ…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

સંગરૂરમાં ખેડૂત નેતા પ્રિતમ સિંહનું મોત પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને કારણે થયું ન હતું. વિરોધીઓ દ્વારા બેદરકારી પૂર્વક ચલાવવામાં આવી રહેલી ટ્રેક્ટર ટ્રોલીએ એક ખેડૂતનું મોત નીપજ્યું હતું અને એક પોલીસ ઇન્સ્પેક્ટરને પણ ઇજા પહોંચાડી હતી.

સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં સંગરૂર જિલ્લામાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક કિશાનનેતાનું મોત થયુ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સંગરૂર જિલ્લામાં કિસાન નેતા પ્રિતમ સિંહનું મોત પોલીસ લાઠી ચાર્જના કારણે થયુ હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

29news.in નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સંગરૂર જિલ્લામાં કિસાન નેતા પ્રિતમ સિંહનું મોત પોલીસ લાઠી ચાર્જના કારણે થયુ હતુ.”

Facebook | Fb post Archive | Fb Article Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વિવિધ કીવર્ડનો ઉપયોગ કરીને ગૂગલમાં વાયરલ સમાચાર શોધવાનો પ્રયાસ કર્યો. પરિણામે અમને કેટલાક મીડિયા અહેવાલો મળ્યા. આર.ભારત સમાચારમાં પ્રકાશિત સમાચાર અનુસાર, 21 ઓગસ્ટના રોજ, સંગરૂર જિલ્લામાં, ખેડૂતો સાથેની અથડામણમાં એક વ્યક્તિનું ટ્રેક્ટર-ટ્રોલીથી કચડીને મોત થયું હતું અને ઓછામાં ઓછા પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. 

અધિકારીઓએ જણાવ્યું કે, મૃત્યુ પામનાર વ્યક્તિ એક ખેડૂત હતો, જે જિલ્લાના લોંગોવાલ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યો હતો, જે દરમિયાન પોલીસ પ્રદર્શનકારીઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને ટોલ પ્લાઝાને અવરોધિત કરતા રોકવાનો પ્રયાસ કરી રહી હતી. 

અન્ય એક સમાચાર અનુસાર, પોલીસે લોંગોવાલમાં ખેડૂત સંગઠનના નેતાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસે ભારતીય ખેડૂત સંઘ આઝાદના નેતા જસવિન્દર સિંહ લોંગોવાલને કસ્ટડીમાં લીધા હતા. જે બાદ ખેડૂતોએ લોંગોવાલ પોલીસ સ્ટેશનની બહાર ઉગ્ર વિરોધ કર્યો હતો.

ભારતીય કિસાન યુનિયન આઝાદના નેતાઓ અને લોંગોવાલ પોલીસ વચ્ચે ઘર્ષણ દરમિયાન બે ખેડૂત નેતાઓ અને એક પોલીસ ઈન્સ્પેક્ટર ઘાયલ થયા હતા. જેમાં એક ખેડૂતનું પટિયાલામાં સારવાર દરમિયાન મોત થયું હતું. ખેડૂતોની માંગને લઈને 16 ખેડૂત સંગઠનોએ ચંડીગઢમાં જોરદાર વિરોધ પ્રદર્શનનું એલાન આપ્યું હતું.

આ ઘટનામાં એક ઈન્સ્પેક્ટર પણ ઘાયલ થયો હતો.

તમને જણાવી દઈએ કે ખેડૂતો અને પોલીસ વચ્ચેની અથડામણમાં પંજાબ પોલીસના ઈન્સ્પેક્ટર દીપેન્દ્રપાલ સિંહ પણ ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘાયલ ખેડૂત નેતા પ્રિતમ સિંહને પટિયાલાની ઈન્દિરા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હવે સારવાર દરમિયાન પ્રિતમસિંહનું મોત થયું હતું.

સંગરૂર પોલીસે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે કે વાયરલ દાવો ખોટો છે. સંગરૂરમાં પોલીસના લાઠીચાર્જને કારણે ખેડૂત નેતા પ્રિતમ સિંહનું મોત થયું નથી. સાક્ષીઓ અને વીડિયો અનુસાર, મૃતકને ટ્રેક્ટર ટ્રોલી દ્વારા ચલાવવામાં આવી હતી જે બેદરકારીપૂર્વક વિરોધીઓ દ્વારા ચલાવવામાં આવી હતી. આમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. 

બીજી તરફ સંગરૂરના એસએસપી સરેન્દ્ર લાંબાએ જણાવ્યું કે, ટ્રેક્ટર-ટ્રોલીએ વૃદ્ધ ખેડૂત પ્રિતમ સિંહને કચડી નાખ્યા જેના કારણે તેમના પગમાં ઈજા થઈ. આ પછી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તેમને પટિયાલા રિફર કરવામાં આવ્યા હતા અને પટિયાલા હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેમનું મોત થયું હતું. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસ દ્વારા કોઈ લાઠીચાર્જ કરવામાં આવ્યો ન હતો, પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને આગળ વધતા રહ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સંગરૂરમાં પોલીસ લાઠીચાર્જને કારણે ખેડૂત નેતા પ્રિતમ સિંહનું મૃત્યુ થયું હોવાનો દાવો ખોટો છે. બેદરકારીથી ચાલતા ટ્રેક્ટર-ટ્રોલીની અડફેટે આવી જતાં ખેડૂત આગેવાનનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું સંગરૂરમાં પોલીસના લાઠીચાર્જમાં ખેડૂત નેતા પ્રિતમ સિંહનું મોત થયુ…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False