મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો અધૂરો વીડિયો મૂળ સંદર્ભથી કાપીને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા આ વાત કહી હતી.

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. આ વીડિયોને ખાસ કરીને યુપીમાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સાથે જોડીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 80 બેઠકોમાંથી ભાજપને માત્ર 33 બેઠકો મળી છે. સપાને 37 અને કોંગ્રેસને 6 બેઠકો મળી હતી. જો જોવામાં આવે તો છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં ભાજપની બેઠકોનો આ આંકડો 62 હતો. તેથી, સોશિયલ મીડિયા યુઝર્સ સીએમ યોગીના આ વીડિયોને આ વર્ષની લોકસભા ચૂંટણીના પરિણામો સાથે જોડીને કટાક્ષ કરી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 08 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યુ કે, દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસ્લમાનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
જ્યારે અમે સીએમ યોગીના આ વાયરલ વીડિયોની તપાસ કરી, ત્યારે અમને સૌથી પહેલી વસ્તુ એ જોવા મળી કે તેમાં રાજસ્થાન પત્રિકાના ન્યૂઝ આઉટલેટનો લોગો છે. જેની મદદથી ઓરિજનલ વીડીયો મળી આવ્યો હતો. અમને 23 એપ્રિલ 2024ના રોજ રાજસ્થાન પત્રિકાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો આ વીડિયો મળ્યો. જેની સાથે એવું કહેવામાં આવ્યું છે કે સીએમ યોગી કોંગ્રેસ પર નિશાન સાધતા હતા અને કહી રહ્યા હતા કે તમે દેશના ભાગલા પાડવા માંગો છો. આનાથી અમને સ્પષ્ટ થયું કે સીએમ યોગી વાસ્તવમાં કોંગ્રેસ પર નિશાન સાધતા આવું કહી રહ્યા હતા.
જ્યારે અમે પ્રાપ્ત માહિતીના આધારે વધુ તપાસ કરી, ત્યારે અમને સીએમ યોગીના અધિકૃત એક્સ હેન્ડલ પર પોસ્ટ કરાયેલ આ વીડિયોનું સંપૂર્ણ સંસ્કરણ મળ્યું. 23 એપ્રિલ, 2024ના રોજ પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી 2024 સાથે સંબંધિત એક ઇન્ટરવ્યુનો વીડિયો હતો. લગભગ 11 મિનિટના આ વીડિયોમાં ત્રણ મિનિટ પછી સીએમ યોગીને કહેતા સાંભળી શકાય છે કે જ્યારે આ કોંગ્રેસ પરિવાર સુપર પીએમ બન્યો ત્યારે ડો. મનમોહન સિંહજી દેશના વડાપ્રધાન હતા. તેમણે કોની સૂચના પર કહ્યું કે દેશના સંસાધન પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે? તમે મુસ્લિમો અને બિનમુસ્લિમો, લઘુમતી અને બહુમતીના નામે દેશને વિભાજિત કરવા માંગો છો. હવે અહીં તે સ્પષ્ટ થઈ જાય છે કે વાયરલ વીડિયો એક અધૂરો ભાગ છે જે તેના મુખ્ય સંદર્ભ સિવાય ફેલાવવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન, અમે એએનઆઈના સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલો આ જ વીડિયો જોયો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી છે કે રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે કોંગ્રેસે 1970માં ગરીબી હટાવવાનો નારો આપ્યો હતો, છતાં તેને હટાવી શકાયો નથી. કોંગ્રેસે આ દેશમાં છ દાયકા કરતાં વધુ સમય સુધી શાસન કર્યું અને તેઓ એક જ સૂત્રોચ્ચાર કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. આઝાદીના 70 વર્ષ પછી પણ કોંગ્રેસ અને તેના સહયોગીઓએ શાસન કર્યું, છતાં 50 કરોડ લોકો પાસે બેંક ખાતું નથી. જો આટલા લોકો આ મૂળભૂત જરૂરિયાતોથી વંચિત છે તો તેના માટે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જવાબદાર છે. તેઓ દેશને મુસ્લિમ અને બિન-મુસ્લિમ, લઘુમતી અને બહુમતીના આધારે વિભાજિત કરવા માંગે છે. સાડા ત્રણ મિનિટના આ વીડિયોમાં આપણે ત્રણ મિનિટ પછી વાયરલ વીડિયોનો ભાગ સાંભળી શકીએ છીએ.
અંતે, વાયરલ વીડિયો અને અમને મળેલા ઓરિજનલ વીડિયોની સરખામણી કરીને, અમે પુષ્ટિ કરી છે કે દેશના સંસાધનો પર મુસ્લિમોનો પ્રથમ અધિકાર છે એમ કહેતા સીએમ યોગીનો વાયરલ વીડિયો અધૂરો શેર કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સીએમ યોગીના લગભગ બે મહિના જૂના ઇન્ટરવ્યુનો એક ભાગ કાપીને અધૂરો ફેલાવવામાં આવ્યો છે. મૂળ વીડિયોમાં કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, જ્યારે ડૉ. મનમોહન સિંહ દેશના વડાપ્રધાન હતા ત્યારે તેમણે કહ્યું હતું કે સંસાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:દેશના સંસાધન પર મુસલમાનોનો પહેલો અધિકાર છે એમ કહેતા સીએમ યોગીનો વાયરલ વીડિયો અધૂરો છે….
Fact Check By: Frany KariaResult: False
