શું ખરેખર મોદી ઝિંદાબાદ કે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા યુવાનને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વીડિયોમાં ઝઘડો વિવાદને કારણે થયો હતો. સિનેમા હોલમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાનો દાવો ખોટો છે.

22 વર્ષ બાદ થિયેટર ફરી આવેલી ગદર ફિલ્મના બીજા ભાગને લોકોએ ખૂબ વધાવ્યો છે. સમગ્ર દેશના થિયેટરોમાં આ ફિલ્મે ધૂમ મચાવી છે. ત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વીડિયોમાં થિયેટરમાં ગદર-2 ફિલ્મ ચાલી રહ્યો છે અને એક યુવાનને લોકો મારમારી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગદર-2 દરમિયાન મોદી ઝિંદાબાદ અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારને લોકોએ થિયેટરમાં મારમાર્યો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Patel G નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગદર-2 દરમિયાન મોદી ઝિંદાબાદના નારા લગાવનારને લોકોએ થિયેટરમાં મારમાર્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

તેમજ અન્ય એક યુઝર દ્વારા પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારને લોકોએ થિયેટરમાં મારમાર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. (FACEBOOK)  તેમજ ટીવીનાઈન ગુજરાતી દ્વારા પણ આ જ દાવા સાથે વીડિયોને શેર કર્યો હતો.

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

તેમજ અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કરીને આ વીડિયો ચેક કર્યો છે. પરિણામે, અમને 12મી ઓગસ્ટના રોજ એબીપી ગંગાની ચેનલ પર પ્રસારિત થયેલો એ જ વીડિયો મળ્યો. સાથેની માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, વીડિયોમાં દેખાતો મામલો ઉત્તર પ્રદેશના બરેલીનો છે. એવું કહેવામાં આવ્યું છે કે ફિલ્મ જોવા દરમિયાન, બંને પક્ષો વચ્ચે દલીલ થઈ હતી અને વિવાદ એટલો વધી ગયો હતો કે તેમની વચ્ચે લડાઈ થઈ ગઈ હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ મામલો પ્રસાદ ટોકીઝનો છે. 

આ વિશે વધુ તપાસ કરવા માટે, અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યું. દૈનિક ભાસ્કરની વેબસાઈટ પર આપવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ મામલો બરેલીના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. 11 ઓગસ્ટે સની દેઓલની ફિલ્મ ગદર 2 નો રાત્રે 9 વાગ્યાનો શો ચાલી રહ્યો હતો. ત્યારબાદ ફિલ્મના એક સીનને લઈને બે લોકો વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે બંને વચ્ચે મારામારી થઈ. તે પૈકી એક યુવક નશામાં હતો. તેણે લડાઈ દરમિયાન બેલ્ટ વડે હુમલો કર્યો હતો. જેના કારણે ત્યાં અરાજકતા સર્જાઈ હતી. જે બાદ શો બંધ કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટેશન કોતવાલી ઘટનાસ્થળે પહોંચી હતી અને ભીડને કાબૂમાં લીધી હતી. પોલીસ આવતાની સાથે જ બેલ્ટ વડે મારનાર આરોપી ભાગી ગયો હતો. 

ઉપરોક્ત બંને અહેવાલોમાં ક્યાંય એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે સિનેમા હોલમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા અને ન તો તેમાં કોઈ હિંદુ-મુસ્લિમ એંગલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પછી અમે પોલીસ સ્ટેશન કોતવાલીના સ્ટેશન ઈન્ચાર્જ ધર્મેન્દ્ર સિંહનો સંપર્ક કર્યો. તેણે અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. ફિલ્મ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદ જેવા નારા લગાવવામાં આવ્યા ન હતા. ફિલ્મ દરમિયાન એક વ્યક્તિ એક સીનનો ફોટો પાડી રહ્યો હતો, જ્યારે બીજા વ્યક્તિએ વિવાદ શરૂ કર્યો અને વિવાદ એટલો વધી ગયો કે બંને વચ્ચે મારામારી થઈ ગઈ. આમાં કોઈ હિંદુ-મુસ્લિમ એંગલ નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બરેલીના સિનેમા હોલમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા ન હતા. ફિલ્મના સીનને લઈને બંને લોકો વચ્ચે વિવાદ થયો હતો, જેના કારણે મારામારી થઈ હતી. આમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર મોદી ઝિંદાબાદ કે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા યુવાનને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False