બિહારની ગટરોમાંથી નીકાળવામાં આવેલી ગંદકીનો ફોટો અમદાવાદની પ્રિમોન્સૂન કામગીરીના નામે વાયરલ...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગટરમાંથી નીકાળવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલો અને અન્ય ગંદકીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદ ખાતે 600 કરોડના ખર્ચે કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરીનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો અમદાવાદનો નહીં પરંતુ બિહાર ખાતે વર્ષ 2019 માં આવેલા પૂર બાદની પરિસ્થિતિનો છે. આ ફોટોને અમદાવાદ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
અધરી નોટ નામના ફેસબુક યુઝર દ્વારા 15 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 600 કરોડ રૂપિયા પ્રિમોન્સૂન પ્લાન ના AMC એ ખર્ચ કર્યા છે. જનતા ને ગાળો આપતા પહેલા 600 કરોડ નો હિસાબ આપો મુરખાઓ. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદ ખાતે 600 કરોડના ખર્ચે કરવામાં આવેલી પ્રિમોન્સૂન કામગીરીનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 9 ઓક્ટોમ્બર, 2019 ના રોજ thewire.in દ્વારા એક સમાચારમાં પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, બિહારના પટના શહેરનો આ ફોટો છે. જ્યાં ગટરો પ્લાસ્ટિક અને અન્ય કચરાને કારણે જામ થઈ ગઈ હતી.
અમારી વધુ તપાસમાં અમને Licypriya Kangujam બારતના જાણીતા બાળ પર્યાવરણવાદી અને આબોહવા કાર્યકર્તા દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર પણ 1 સપ્ટેમ્બર, 2020 ના રોજ આજ ફોટો સાથે એક ટ્વિટ કરવામાં આવી હતી. જેમાં પણ તેઓએ એવું લખ્યું હતું કે, 2019 માં પટના ખાતે આવેલા પૂર બાદની સ્થિતિનો આ ફોટો છે.
આજ માહિતી સાથેની વધુ એક ટ્વિટ અન્ય કેટલાક ટ્વિટર યુઝર દ્વારા પણ કરવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. Tweet 1 | Tweet 2
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો અમદાવાદનો નહીં પરંતુ બિહાર ખાતે વર્ષ 2019 માં આવેલા પૂર બાદની પરિસ્થિતિનો છે. આ ફોટોને અમદાવાદ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:બિહારની ગટરોમાંથી નીકાળવામાં આવેલી ગંદકીનો ફોટો અમદાવાદની પ્રિમોન્સૂન કામગીરીના નામે વાયરલ...
Fact Check By: Vikas VyasResult: False