
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના ઝંડા સળગાવી રહેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પંજાબમાં લોકો દ્વારા ભાજપના સળગાવવામાં આવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના ઝંડા સળગાવી રહેલા લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં કિસાન સંગઠનના લોકો દ્વારા ભાજપના વિરોધમાં એલનાબાદ ખાતે વિધાનસભાની પેટાચૂંટણી સમયે ભાજપના ઝંડા સળગાવવામાં આવ્યા હતા તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક પેજ દ્વારા 12 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લોકસભા ચૂંટણી પૂર્વે પંજાબની જનતામાં રોષ, ભાજપના સેંકડો ઝંડા સળગાવવાનો વિડીયો વાયરલ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પંજાબમાં લોકો દ્વારા ભાજપના સળગાવવામાં આવ્યા તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો Bebak Aawaz નામના એક ફેસબુક પેજ દ્વારા 7 ઓક્ટોમ્બર, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એલનાબાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં આવી છે ભાજપની હાલત. કિસાનોએ ભાજપના ઝંડા સળગાવ્યા.
અમારી વધુ તપાસમાં અમને હરિયાણા રાજ્ય કોંગ્રેસના મહાસચિવ વિકાસ બંસલના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર વાયરલ વીડિયો મળ્યો. તેમણે આ વીડિયો 3 વર્ષ પહેલાં 9 ઓક્ટોબર, 2021ના રોજ શેર કર્યો હતો.
https://twitter.com/INCBANSAL/status/1446545857730400256
ઉપરોક્ત પોસ્ટ શેર કરતી વખતે તેમણે લખ્યું હતું કે,એલનાબાદ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની હાલત, ખેડૂતોએ ભાજપના ઝંડા સળગાવ્યા. આનાથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ થયેલો વીડિયો હાલનો નથી પરંતુ 3 વર્ષ પહેલાં હરિયાણાની એલનાબાદ વિધાનસભા પેટાચૂંટણી દરમિયાનનો છે.
વધુ તપાસમાં અમને ખાસ હરિયાણા નામની યુટ્યુબ ચેનલ પર પણ વાયરલ વીડિયો મળ્યો. આ વીડિયો 7 ઓક્ટોબર, 2021ના રોજ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, 2021માં એલનાબાદમાં ભાજપ વિરુદ્ધ ખેડૂતો દ્વારા આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપના ઝંડા સળગાવી રહેલા લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં કિસાન સંગઠનના લોકો દ્વારા ભાજપના વિરોધમાં એલનાબાદ ખાતે વિધાનસભાની પેટાચૂંટણી સમયે ભાજપના ઝંડા સળગાવવામાં આવ્યા હતા તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો પંજાબમાં ભાજપના સળગાવી રહેલા લોકોના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
