
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહેલા કેટલાક વિદેશીઓનો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત કરી એ સમયે અમેરિકામાં લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 નો છે. અમેરિકાના લોસ એન્જેલસ ખાતે કાશ્મીરી લોકોના માનવ અધિકારો માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેનો આ વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Nirmal Surti Adivasi નામના ફેસબુક યુઝર દ્વારા 25 સપ્ટેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અમેરિકાના લોકો રેલીઓકાઢી રહ્યા છે અને કહી રહ્યા છે…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત કરી એ સમયે અમેરિકામાં લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો કેટલાક ફેસબુક યુઝર દ્વારા વર્ષ 2019 માં પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, તેમાં હોલીવુડ હાયલેન્ડ, ડિસનીપ સ્ટુડિયો સ્ટોર ધિરાર્દેલી નામના બોર્ડ જોવા મળી રહ્યા છે. પછી અમે ગુગલ પર આજ કીવર્ડ સર્ચ કરતાં અમને ખબર પડી હતી કે, હોલીવુડ એન્ડ હાયલેન્ડ અમેરિકાના લોસ એન્જેલસ સ્થિત એક શોપિંગ મોલ છે. જ્યારે ડિસનીપ સ્ટુડિયો સ્ટોર ઘિરાર્દેલી એક સોડા ફાઉન્ટેન અને ચોકલેટની દુકાન છે. અમને તપાસમાં એ પણ જાણવા મળ્યું કે, આ બંને પણ લોસ એન્જેલસના હોલીવુડ બુલેવાર્ડ રોડ પર આવેલ છે.
અમારી વધુ તપાસમાં અમને વકર અલી નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 સપ્ટેમ્બર, 2019 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સંબંધિત કેટલાક વીડિયો અને ફોટા અપલોડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, “લોસ એન્જેલસના હોલીવુડ બુલેવાર્ડ ખાતે આજે ચીની થિયેટરની બહાર કાશ્મીર વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ આઈ.સી.એન.એ, કાઉન્સિલ ઓફ પાકિસ્તાન (સી.ઓ.પી), યુ.એફ.પી.આઈ.ડી. શીખ અને કાશ્મીરી સમુદાયના સદસ્યો અને કેટલાક અન્ય માનવ અધિકાર કાર્યકર્તા સંગઠનો જેવા જુદા-જુદા સમુદાયના સંગઠનોનો એક સામુહિક પ્રયાસ હતો. શ્રી જમાલ ખ્વાજા, અદનાન ખાન દ્વારા આ વિરોધ પ્રદર્શનમાં પાકિસ્તાની સમુદાયનું નેતૃત્વ કરવામાં આવ્યું તેમજ કાશ્મીરી સમુદાયનું નેતૃત્વ શ્રી માજિદ બટે કર્યું.”
ત્યાર બાદ ઉપરોક્ત પોસ્ટમાં આપેલી માહિતીને ધ્યાનમાં રાખીને અન્ય કીવર્ડથી સર્ચ કરતાં અમને કાઉન્સિલ ઓફ પાકિસ્તાન નામની સંસ્થાના સત્તાવાર ફેસબુક પેજ પર આજ આંદોલનના વધુ ફોટા તેમજ વીડિયો મળ્યા હતા. આ વીડિયો અને ફોટા ઉપર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને મળતા આવે છે. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, “કાશ્મીર અને કાશ્મીરના લોકોના સમર્થન માટે આયોજીત સૌથી મોટા વિરોધ પ્રદર્શન અને રેલીમાંની એક રેલીનું આયોજન 31 ઓગષ્ટ, 2019 ના રોજ હોલીવુડ, કેલિફોર્નિયા ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં હજારો લોકો કાશ્મીરના લોકો સાથે એકતા અને એકજુટતા બતાવવા માટે ભેગા થયા હતા.”
આ પોસ્ટ 2 સપ્ટેમ્બર, 2019 ના રોજ કરવામાં આવી હતી.
અમારી વધુ તપાસમાં અમને એ પણ જાણવા મળ્યું કે, કાઉન્સિલ ઓફ પાકિસ્તાને આ વિરોધ પ્રદર્શનના કેટલાક અન્ય ફોટા 1 સપ્ટેમ્બર, 2019 ના રોજ પણ પ્રસારિત કર્યા હતા. જેની સાથે આપવામાં આવેલી માહિતીમાં એવું લખેલું છે કે, આ રેલી પાકિસ્તાન પરિષદ (સી.ઓ.પી), સીએઆઈઆર, આઈસીએનએ, યુએફપીઆઈડી, શીખ તેમજ પાસંદ દ્વારા કાશ્મીરમાં થઈ રહેલા ભારત સરકારના અન્યાય માટે આયોજીત કરવામાં આવી હતી.
કાઉન્સિલ ઓફ પાકિસ્તાન દ્વારા 1 સપ્ટેમ્બર, 2019 ના રોજ આ વિરોધ પ્રદર્શનનો એક વીડિયો પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરનારી સંસ્થાઓમાંની એક કાઉન્સિલ ઓફ પાકિસ્તાન (COP) હતી.
નીચે તમે વાયરલ થઈ રહેલા વીડિયો અને કાશ્મીરના લોકોના માનવ અધિકાર માટે નીકાળવામાં આવેલી રેલીના ફોટાઓમાં કેટલીક સમાનતાઓ પણ જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો બ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 નો છે. અમેરિકાના લોસ એન્જેલસ ખાતે કાશ્મીરી લોકોના માનવ અધિકારો માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેનો આ વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શું ખરેખર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત સમયે તેમનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે…?
Fact Check By: Vikas VyasResult: Missing Context
